Get The App

રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ 1 - image


Bank ATM Rules: બેન્ક એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે મોટાભાગે રૂ. 500ની જ નોટ નીકળે છે. 100-200ની નોટ ભાગ્યે જ જોવા મળતી હોય છે. પરંતુ હવે આમ નહીં થાય. આરબીઆઈએ મહત્ત્વનો નિર્ણય લેતાં તમામ બેન્કોને નિર્દેશ  આપવામાં આવ્યા છે કે, એટીએમમાંથી રૂ. 100 અને રૂ. 200ની નોટ પણ નીકળે. 

100-200ની નોટની ઉપલબ્ધતા વધારવી જરૂરી

આરબીઆઈએ સોમવારે બેન્કોને નિર્દેશ આપ્યા હતાં કે, સામાન્ય લોકો માટે નાની રકમની નોટની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવું જરૂરી છે. બેન્કોએ એટીએમમાંથી આ મૂલ્યના કરન્સી નોટ પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે તેની ખાતરી કરવી. બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સે આ નિર્દેશને તબક્કાવાર લાગુ કરવા કહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ લેબલ એટીએમ સરકારી અને પ્રાઈવેટ બેન્કોના એટીએમની જેમ કામ કરે છે. તેને ખાનગી અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ ઈન્સ્ટોલ કરે છે. તેમાં વિવિધ બેન્કોના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મારફત રોકડ ઉપાડ, બેલેન્સ ચેક સહિતની તમામ સુવિધાઓ મળે છે.

એટીએમમાંથી 100-200ની નોટ પણ નીકળે

આરબીઆઈએ સર્ક્યુલરમાં જણાવ્યુ છે કે, મોટાભાગે એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે રૂ. 500ના મૂલ્યની નોટ જ નીકળે છે. આથી નાના અને સામાન્ય નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખતાં તમામ બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સને ખાતરી કરવા આદેશ છે કે, તેમના એટીએમમાંથી નિયમિત ધોરણે રૂ. 100 અને રૂ. 200ની નોટ નીકળે. 30 સપ્ટેમ્બર, 2025 સુધી તમામ એટીએમમાંથી 75 ટકા એટીએમાંથી ઓછામાં ઓછા એક કેસેટમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ નીકળવી જોઈએ. ત્યારબાદ આગામી તબક્કામાં 31 માર્ચ, 2026 સુધી 90 ટકા એટીએમમાંથી ઓછામાં ઓછા એક કેસેટમાંથી રૂ. 100 અને રૂ. 200ના મૂલ્યની નોટ નીકળવી જોઈએ.

1 મેથી એટીએમમાંથી ઉપાડ  મોંઘો થશે

આરબીઆઈએ અગાઉ જારી કરેલા સર્ક્યુલરમાં 1 મે, 2025થી એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમો પણ બદલ્યા છે. જેમાં હોમ બેન્ક નેટવર્ક સિવાયના એટીએમમાંથી ઉપાડ, બેલેન્સ ચેક માટે યુઝરે વધુ ચાર્જ ચૂકવવો પડશે. 1 મેથી અન્ય બેન્કના એટીએમમાંથી ઉપાડ પર રૂ. 19 અને બેલેન્સ ચેક કરવા પર રૂ. 7 પેટે ચાર્જ ચૂકવવો પડશે. જે પહેલાં ક્રમશઃ રૂ. 17 અને રૂ. 6 હતો.

રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ 2 - image

Tags :