RBIની ખેડૂતોને ભેટ, જામીન મુક્ત લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી દેવાઈ
RBI Guidelines for Agriculture loan : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આરબીઆઇએ ખેડૂતો માટે જામીન મુક્ત લોનની મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી છે. આ નિર્ણય પહેલી જાન્યુઆરી 2025થી લાગુ થશે. આ પગલાનો હેતુ વધતા કૃષિ ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાનો છે. નવા નિર્દેશમાં દેશભરની બેંકોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે લોન લેનારી વ્યક્તિ દીઠ રૂ. 2 લાખ સુધીના ધિરાણ માટે માર્જિનની જરૂરિયાતને માફ કરવાની સૂચના અપાઇ છે.
વધતા ખર્ચને ધ્યાને લઇ લેવાયો નિર્ણય
કૃષિ મંત્રાલયે આ અંગે જણાવ્યું કે, આ નિર્ણય વધતા ખર્ચ અને ખેડૂતો માટે ક્રેડિટ એક્સેસ સુધારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ પગલાથી દેશના 86 ટકાથી વધુ નાના અને સીમાંત ખેડૂતોને ઘણો ફાયદો થશે. બેંકોને દિશાનિર્દેશોનો ઝડપથી અમલ કરવા અને નવી લોન જોગવાઈઓ અંગે વ્યાપક જાગૃતિ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ચાલુ નાણાંકીય વર્ષમાં સસ્તી આયાતને કારણે સ્ટીલ ઉદ્યોગનો ક્ષમતા વપરાશ ચાર વર્ષના તળિયે
લોન મેળવવામાં સરળતા
નોંધનીય છે કે, આ પગલાથી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) થકી લોન મેળવવાની પ્રક્રિયા સરળ થશે અને તે સરકારની સુધારેલી વ્યાજ સબવેન્શન સ્કીમને પૂરક બનાવશે તેવી અપેક્ષા છે. કિસાન ક્રેડિટ કાર્ડએ ખેડૂતોને 4 ટકાના નજીવા વ્યાજ દરે રૂ. 3 લાખ સુધીની લોન પૂરી પાડે છે. આ પહેલને કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સમાવેશને વધારવા માટેના વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવે છે, જે ખેડૂતોને કૃષિ કામગીરીમાં રોકાણ કરવા અને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સુગમતા પૂરી પાડે છે.
ફુગાવાને દૂર કરવા મહત્ત્વપૂર્ણ નિર્ણય
કૃષિ નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓના મતે, સરકાર અને RBI તરફથી આ પહેલથી દેશને મોટો લાભ થશે. આ પહેલને ધિરાણ સમાવિષ્ટતા વધારવા અને ખેડૂતોની આર્થિક વૃદ્ધિને ટેકો આપવા અને કૃષિ ખર્ચ પર ફુગાવાના દબાણને દૂર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ લોનના મંદ ઉપાડને પગલે ધિરાણ તથા થાપણમાં ફરીથી સમાન વૃદ્ધિ જોવા મળી