RBI એ રેપો રેટ 6.5% પર યથાવત્ રાખ્યો, મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયો મહત્ત્વપૂર્ણ નિર્ણય
ક્રેડિટ ગ્રોથમાં જોરદાર તેજીને પગલે રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો
મોંઘવારીના દરોમાં ઘટાડો પણ તેમાં મહત્ત્વનું પાસું રહ્યું
image : Twitter |
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 જૂને શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર થયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ ત્રણ દિવસીય બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો વિશે જણાવ્યું. આ વખતે પણ પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. જ્યારે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટને 6.25% તથા માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસલિટી રેટ પણ યથાવત્ રાખતાં તેને 6.75%ના દરે જાળવી રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં મળેલી MPCની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ પણ સારી સ્થિતિમાં છે.
આ નાણાકીય વર્ષની બીજી બેઠક
આ FY24 માં ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની આ બીજી બેઠક છે. તેની શરૂઆત 6 જૂને મુંબઈમાં થઈ હતી. આ વખતે પણ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે હાલ રેપો રેટ 6.5 ટકા જ રહેશે. તમને જણાવી દઈએ કે મે 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયેલી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંકે એક પછી એક રેપો રેટમાં વધારો કર્યો હતો.
આરબીઆઈ ગવર્નરે શું શું કહ્યું?
આરબીઆઈ ગવર્નરે આ અંગે જાહેરાત કરતાં કહ્યું કે ક્રેડિટ ગ્રોથમાં જોરદાર તેજીને પગલે રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોંઘવારીના દરોમાં ઘટાડો પણ તેમાં મહત્ત્વનું પાસું રહ્યું છે. જોકે મોંઘવારી દર નાણાકીય વર્ષ 2023-24માં 5 ટકાથી ઉપર રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. મોંઘવારી લક્ષ્યથી ઉપર રહી શકે છે તેમ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું. આ સાથે કોઈપણ દરમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રેપો રેટ શું હોય છે?
ખરેખર તો રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ દેશની બેંકોને લોન આપે છે. ત્યારપછી આ દરના આધારે, બેંક તેના ગ્રાહકોને હોમ લોન, વાહન લોન, વ્યક્તિગત લોન વગેરે જેવી વિવિધ પ્રકારની લોન આપે છે. આ કારણોસર રેપો રેટમાં ફેરફારને લીધે તમારી લોન અને EMI પર સીધી અસર પડે છે.