'..તો લાડલી બહેન યોજનાના રૂપિયા પાછા લઈ લઈશું, ભાજપના પૂર્વ સાંસદના પતિના નિવેદનથી હડકંપ
Ladki Bahin Scheme: દેશભરમાં વિધવા માતા-બહેનોને સરકારે આર્થિક મદદ આપવાનું શરૂ કર્યા બાદ હવે દેશના અનેક રાજ્યોમાં તમામ વર્ગની મહિલાને આર્થિક સહાય આપવા માટે સરકારો કટિબદ્ધ થઈ છે જેથી મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનને પોષી શકાય. બીજેપી શાસિત એક રાજ્યમાં તો લાડલી બહેના યોજના (Ladli Behna Yojana)ના તર્જ પર હવે લાડલા ભૈયા યોજના પણ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં પણ આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં મોટાપાયે લાડલી બહેના યોજના લાગુ કરવા માટે તૈયારીઓ થઈ રહી છે.
મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેજા હેઠળની મહાયુતિ સરકારે મહિલાઓને આર્થિક સહાય આપવાના હેતુસર લાડલી બહેના યોજનાની રંગેચંગે જાહેરાત કરી દીધી છે. આ યોજના હેઠળ રાજ્યની 21થી 60 વર્ષની મહિલાને રજિસ્ટ્રેશન બાદ દર મહિને સરકાર તરફથી રૂ. 1500ની રકમ આપવામાં આવશે. રૂ. 46,000 કરોડના અંદાજિત ખર્ચની આ લાડલી બહેના યોજના અંગે ભારે રાજકીય ઘમાસાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ધારાસભ્ય રવિ રાણાએ લાડલી બહેના યોજના મામલે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેમણે બદલાની ભાવના સાથે કહ્યું કે જો 'બહેનો' મતદાન નહીં કરે તો પૈસા પાછા લઈ લેવામાં આવશે.
રવિ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાના પતિ છે. તેઓ અમરાવતીના વડનેરાથી અપક્ષ ધારાસભ્ય છે અને ત્રીજી વખત એમએલએ બન્યા છે. પત્ની નવનીત રાણાએ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ નિવેદનને લઈને રાજ્યમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. રાણાએ કહ્યું, 'જ્યારે મહાયુતિ સરકાર ફરી સત્તામાં આવશે ત્યારે આ યોજનાની રકમ 1500 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે.'
અમરાવતીમાં યોજનાના પ્રમાણપત્રોનું વિતરણ કરતી વખતે રાણાએ કહ્યું કે,'જો તમે અમને ચૂંટણીમાં આર્શિર્વાદ નહીં આપો તો અમે 1500 રૂપિયા પણ પાછા લઈ લઈશું. સરકાર તમને આ બધું આપી રહી છે, તો તમારે પણ તેમનો સાથ આપવો જોઈએ.’ રાજ્યમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે અને રાણાનું આ નિવેદન મહાયુતિ સરકારની તરફેણમાં વોટિંગ કરવા માટેની એક ધમકી અનુસાર લેવાઈ રહ્યું છે.
ખાસ વાત એ છે કે, રાણાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર આ યોજનાના પ્રચારમાં સતત વ્યસ્ત છે. રાણાના નિવેદન બાદ વિપક્ષ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે રાજ્યની મહિલાઓ સાથે છેતરપિંડી કરવાનો અને 1500 રૂપિયામાં તેમના વોટ ખરીદવાનો આરોપ લગાવ્યો છે.