દારૂની બોટલ 19માં માળેથી નીચે પડી અને રેવ પાર્ટીમાં રેડ પડી, 39 યુવક-યુવતીઓ ઝડપાયા
Noida Rave Party : રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઇડાની એક પોશ સોસાયટીમાંથી ફરી એકવાર રેવ પાર્ટીની જાણકારી મળતાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતાં 39 યુવક-યુવતી ડ્રગ્સ અને દારૂ પીતા પકડાયા હતા. પાર્ટી કરી રહેલા આ યુવક-યુવતીઓ જાણીતી કૉલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટીના લોકોની ફરિયાદને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પાર્ટીમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સોસાયટીના 19મા માળેથી એક દારૂની બોટલ નીચે પડવાથી પોલીસે દરોડા પાડતાં સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.
19માં માળથી દારૂની બોટક ફેંકતા મામલો બહાર આવ્યો
મળતી જાણકારી પ્રમાણે, આ મામલો નોઇડાના સેક્ટર-94માં આવેલી હાઇરાઇઝ સુપરનોવા સોસાયટીની છે. જેમાં બિલ્ડિંગના 19મા માળ પર એક ફ્લેટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે કોઈએ દારૂના નશામાં એક દારૂની બોટલ નીચે ફેંકી દીધી હતી. ત્યારબાદ સોસાયટીના લોકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે સોસાયટી પર પહોંચી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસે ફ્લેટમાં રેડ પાડીને 39 યુવક-યુવતીને રેવ પાર્ટી કરતાં ઝડપી પાડ્યા
રિપોર્ટ પ્રમાણે, સોસાયટીના લોકોની ફરિયાદ પછી પોલીસ દ્વારા ફલેટ પર રેડ પાડતાં 39 યુવક-યુવતીની રેવ પાર્ટીનો ખુલાસો થયો હતો. આ દરમિયાન જ્યારે પોલીસે ફ્લેટનો દરવાજો ખોલ્યો તો બધા યુવક-યુવતી નશાની હાલતમાં મળી આવ્યા હતા.
સોસાયટીના લોકોએ શું કહ્યું
પોલીસ દ્વારા મળતી જાણકારી પ્રમાણે, આ બધા વિદ્યાર્થીઓ 19થી 21 વર્ષની અંદરના છે. જ્યારે સોસાયટીના લોકોએ કહ્યું હતું કે, 'નશાની હાલતમાં આ લોકોમાંથી કોઈએ દારૂની બોટલ ફ્લેટ પરથી નીચે ફેંકી હતી, આ વખતે કોઈ નીચે ન હતું પરંતુ જો બોટલ કોઈને વાગી જાત તો એક મોટી દુર્ઘટના થવાથી કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે.'
મળતી માહિતી પ્રમાણે, તમામ વિદ્યાર્થીઓએ 500-500 રુપિયા એકઠા કરીને પાર્ટી કરી હતી. પરંતુ પોલીસે અત્યારસુધી આને લઈને કોઈ પ્રકારની જાણકારી આપી નથી.