'રાવણ' ગામમાં રાવણનું મંદિર, લોકો રોજ કરે છે પૂજા, બોલે છે જય લંકેશ

લોકો દશેરા ઉજવતા ન હોવાથી પુતળાનું દહન થતું નથી

લગ્નની પહેલી કંકોતરી રાવણના નામે લખવામાં આવે છે

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News


'રાવણ' ગામમાં રાવણનું મંદિર, લોકો રોજ કરે છે પૂજા,  બોલે છે જય લંકેશ 1 - image

વિદિશા, 24 ઓકટોબર,2023,મંગળવાર

રાવણ રામાયણનો વિલન છે તેને આદરેલા અધર્મ બદલ તેને રામ સજા આપે છે, વિજયા દશમી અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે. જો કે મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના નાતેરાન તાલુકાના રાવણ ગામના રાવણ ભકતો કોઇ પણ શુભ પ્રસંગે રાવણને અચૂક યાદ કરે છે. આ ગામમાં કોઇ પણ યુવાનના લગ્ન થાય ત્યારે લગ્નની પ્રથમ કંકોતરી રાવણના નામે લખીને મંદિરમાં મુકવામાં આવે છે.

રાવણના આ મંદિર સુધી પહોંચવા માટે,ગામથી  ખેતરો ખૂંદીને પગદંડીના રસ્તે અડધો કલાકમાં પહોંચી શકાય છે. બાળકો સ્કૂલથી પાછા આવતા હોય ત્યારે મંદિર પાસે જય લંકેશ .. જય લંકેશના નારા લગાવે છે. આ રાવણ ગામના લોકો વિજયાદશમી મનાવતા નથી તેમજ રાવણના પૂતળાનું દહન પણ કરતા નથી. રાવણ ગામ વિદિશા જિલ્લાના વડા મથકથી આશરે ૪૦ કિમી દૂર આવેલું છે.

'રાવણ' ગામમાં રાવણનું મંદિર, લોકો રોજ કરે છે પૂજા,  બોલે છે જય લંકેશ 2 - image

કાન્યકુંબજ બ્રાહ્મણો જે બ્રાહ્મણોની એક પેટા જ્ઞાતિ છે, તેઓ રાવણને પૂજે છે કારણ કે રાવણ પણ કાન્યકુંબજ બ્રાહ્મણ હતો. દેખાવમાં સામાન્ય મંદિર જેવું લાગતું આ સ્થળ સ્થાનિકોના કહેવા મુજબ રાવણ ગામનું રાવણ મંદિર જ છે. મંદિરની અંદર રાવણની ૧૦ ફૂટ લાંબી શયન મુદ્વાવાળી પ્રતિમા છે. ગામ લોકોમાં એવી વાયકા છે કે જો રાવણની આ સુતેલી પ્રતિમાને બેઠી કરવામાં આવે તો ગામ ઉપર કુદરતી આફતો આવી પડે.

આ ગામના જ નહીં, આજુબાજુના ગામોના કાન્યકૂંબજ તથા અન્ય જ્ઞાાતિના સેંકડો લોકો રાવણને દેવતા ગણે છે. થોડાક વર્ષો  પહેલા આ વિસ્તારના લોકોએ રાવણની પૌરાણિક મૂર્તિવાળા આ મંદિરનો ફંડફાળો કરીને જીર્ણોધ્ધાર કર્યો છે. આ મંદિરમાં દરરોજ પૂજા-આરતી થાય છે.લગ્ન પ્રસંગે કુટુંબના વડિલો રાવણની મૂર્તિની કમરે તેલ ચોપડે છે અને બાકીનું તેલ ઘરે લઇ જાય છે.

'રાવણ' ગામમાં રાવણનું મંદિર, લોકો રોજ કરે છે પૂજા,  બોલે છે જય લંકેશ 3 - image

આ રીતે પવિત્ર થયેલું તેલ વરરાજા અને નવવધૂના શરીર પર પીઠીની જેમ ચોળવામાં આવે છે.આ વિધીને રાવણના આશિર્વાદ સ્વરુપનું સુરક્ષા કવચ માનવામાં આવે છે.રાવણ દુષ્ટતા અને કમનસીબીના સંહારક તરીકે ગ્રામવાસીઓને આર્શિવાદ આપે છે એવું માનવામાં આવે છે.ગામ લોકોના જણાવ્યા અનુસાર રાવણ એક મહાન યોધ્ધો અને વિદ્વાન હતો તેથી અન્ય દેવી દેવતાઓ પ્રત્યે કોઇ પૂર્વગ્રહ ન રાખતા રાવણને યોગ્ય માન આપીને તેની પૂજા કરીએ છીએ.આથી અમે તમામ તહેવાર ઉજવીએ છીએ પરંતુ દશેરા ઉજવતા નથી.



Google NewsGoogle News