કોલકાતા બાદ હવે રત્નાગિરી! નર્સ સાથે દુષ્કર્મ આચરનાર રીક્ષા ડ્રાઇવરને ફાંસી આપવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા લોકો
Ratnagiri Nurse Case: મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં એક 19 વર્ષિય નર્સિંગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની હીણપતભરી ઘટના સામે આવી છે. કોલકાતામાં ડૉક્ટર સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં રોષનો માહોલ છે. એવામાં વધુ એક એવી ઘટના બનતાં મહારાષ્ટ્ર અને દેશભરમાં તેના પડઘા પડ્યા છે.
શરુઆતની તપાસ બાદ સામે આવ્યું છે કે, પીડિતા ઓટો રીક્ષા દ્વારા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઇવરે તેને પાણી આપ્યું હતું. આ પાણીમાં નશાકારક દ્રવ્ય ભેળવ્યું હતું જેના કારણે પીડિતા બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ ડ્રાઇવરે તેને કથિત રીતે સુમસાન જગ્યાએ લઈ જઈને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના બાદ પીડિતાએ ભાનમાં આવ્યા બાદ પોતાના માતાપિતાને જાણ કરી હતી. માતા પિતાએ પોલીસ પાસે જઈને ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે કહ્યું હતું કે ફરિયાદ દાખલ કર્યા બાદ આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત એક SITની રચના કરવામાં આવી છે. જેમાં એક મહિલા ઇન્સ્પેકટર સામેલ છે. આ ઘટના બાદ હૉસ્પિટલની બહાર કર્મચારીઓ અને નર્સ બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આરોપીને મોતની સજા માટે માંગ કરવામાં આવી હતી. કેટલાક કર્મચારીઓ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રત્નાગિરીના કેટલાક વિસ્તારોમાં વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. સ્થાનિક અધિકારીઓ અને તંત્ર દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી હતી અને તપાસની બાહેંધરી આપવામાં આવી હતી.