પુરીના જગન્નાથ મંદિરના ખજાનાનું રક્ષણ કોબ્રા સાપ કરે છે? મદારીની હાજરીમાં ખુલશે બહુમૂલ્ય રત્નભંડારના તાળાં
Image:ians
મંદિરમાં મદારીનું શું કામ?
શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશન (SJTA)ના અધિકારીઓને લાગે છે કે રત્નો અને ઘરેણાંની આસપાસ ઝેરી સાપ હોઈ શકે છે. દાયકાઓથી એવી લોકમાન્યતા છે કે, જગન્નાથ મંદિરના બહુમૂલ્ય ખજાનાનું રક્ષણ કોબ્રા જેવા અતિઝેરી સાપ કરે છે. માન્યતા સાચી હોય કે ન હોય. પરંતુ 46 વર્ષથી બંધ રહેલા ઓરડાઓ ખોલતી વખતે SJTAના અધિકારીઓ કોઈ જોખમ લેવા નથી માંગતા અને અગમચેતીના ભાગરૂપે મદારીને સાથે રાખવાના છે કે જેથી કોઈ સાપ નીકળે અને કોઈને કરડે એ પહેલાં મદારી એને પકડી લે.
જો મદારી એના કામમાં ચૂકે ને ઝેરી સાપ કોઈને દંશ તો ભોગ બનનારને બચાવી લેવા માટે એક મેડિકલ ટીમ પણ સ્થળ પર હાજર હશે. ટીમમાં ડોક્ટર, નર્સથી લઈને એમ્બ્યુલન્સ સહિત જરૂરી તબીબી ઉપકરણો હશે.
આ પણ વાંચો: અમરનાથ યાત્રા: 14 દિવસમાં 2.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
ખરેખર મંદિરમાં સાપ છે?
થોડા સમય પહેલા ‘જગન્નાથ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ’ હેઠળ મંદિરના સૌંદર્યવર્ધન (બ્યુટીફિકેશન)નું કામ ચાલી રહ્યું હતું ત્યારે મંદિરના પરિસરમાં સાપ જોવા મળ્યા હતા. આ મંદિર ખૂબ પ્રાચીન હોવાથી એના સંકુલની દિવાલોમાં ક્યાંક ક્યાંક તિરાડો અને છિદ્રો પડેલા છે. એના વાટે સાપ આવાગમન કરતા હોય એવું બની શકે. અને એના થકી જ કોઈ સાપ રત્નભંડાર રખાયેલા છે એ ઓરડાઓની અંદર પહોંચી ગયો હોય એવી શક્યતા પણ ખરી. માટે જ ખજાનો ખોલતી વખતે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, મેડિકલ ટીમ તો તૈયાર છે પણ હજુ સુધી કોઈ મદારી નથી મળ્યો, મદારીની શોધ ચાલુ છે.
એ રહસ્યમય પ્રયાસ
વર્ષ 2018માં 16 જણની ટીમે જગન્નાથ મંદિરના રત્નભંડારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પણ ફક્ત 40 મિનિટમાં જ એ અભિયાન આટોપી લેવું પડેલું. ત્યારે લોકોમાં એ જાણવાનું કુતૂહલ જાગેલું કે કયા કારણસર રત્નભંડાર સુધી નહોતું પહોંચી શકાયું. અધિકારીઓ દ્વારા એવું કહેવાયેલું કે, ખજાનાના ભીતરી કક્ષની ચાવીનો નહોતી મળી એટલે ખજાના સુધી પહોંચી નહોતું શકાયું. પણ, અફવા એવી ઉડેલી કે ખજાનાનું રક્ષણ કરતા સાપ અવરોધ બનીને ઊભા રહેલા જેને કારણે એ અભિયાન પડતું મૂકવું પડેલું.
રત્નભંડાર ખોલવા પાછળનો આગ્રહ કોનો?
2024ની ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ રત્નભંડાર ખોલવાનો મુદ્દો છેડ્યો હતો. ખજાનામાં શું શું છે એ જાહેર કરીને એના સંચાલનમાં પારદર્શિતા આણવાની માંગ ભાજપાએ કરી હતી. ત્યારે ભાજપે રાજ્યસરકાર (નવીન પટનાયકની બીજેડી સરકાર) મંદિરના ખજાનાનો ઉપયોગ અંગત લાભ માટે કરતી હોવાનું નિવેદન આપીને પણ ચર્ચા જગાવી હતી. આટલા વર્ષો સુધી બીજેડી ખજાનાની ચાવીઓ ખોવાઈ ગઈ હોવાથી ખજાનો ખોલી શકાતો નથી, એવું બહાનુ રજૂ કરતી આવી હતી. હવે જ્યારે ભાજપા ઓરિસ્સામાં સત્તારૂઢ છે ત્યારે મંદિરનો રત્નભંડાર ખોલવાનું શક્ય બન્યું છે.
કેટલો અને કેવો છે ખજાનો?
જગન્નાથ મંદિરના રત્નભંડારમાં ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને દેવી સુભદ્રાના ઘરેણાં છે. વર્ષ 1978માં રત્નભંડાર ખોલવામાં આવ્યા હતા ત્યારે 12831 સોનાના ઝવેરાત અને 22153 ચાંદીના વાસણો નોંધાયા હતા. અન્ય કિમતી સામગ્રી તો અલગ. સમગ્ર ખજાના કિંમત આંકી શકાય એમ નથી. એ પછી 1985માં ખજાનાના દ્વાર ખોલવામાં આવ્યા હતા, પરંતુ એ વખતે રત્નો અને ઘરેણાંની વિગતો જાહેર નહોતી કરવામાં આવી. રત્નભંડારમાંથી કિમતી ઝવેરાતની ચોરી થઈ ગયાની ચર્ચા પણ વખતોવખત ઉડતી રહે છે. 1985 અને 1978 અગાઉ બે વખત, 1926 અને 1905માં, ભંડાર ખોલવામાં આવ્યા હતા. એ અગાઉની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
મંદિરના ખજાનામાં કેવાકેવા રત્નો અને ઘરેણાં હશે એ જાણવાની હરકોઈને ઉત્કંઠા છે, સાથોસાથ એ જાણવું પણ રસપ્રદ રહેશે કે ખરેખર ખજાનાની રક્ષા કરતાં સાપ નીકળે છે કે કેમ!