દુષ્કર્મ કેસમાં નિર્દોષ છૂટેલા આરોપીએ સરકાર પાસે માંગ્યા 10000 કરોડ, કારણ જાણીને ચોંકી જશો
રતલામ, તા.05 જાન્યુઆરી-2023, ગુરુવાર
મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાંથી ગજબનો કિસ્સો સામે આવ્યો છે. એક આદિવાસી યુવકે શિવરાજ સરકાર પાસેથી હજારો કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ યુવકે રૂપિયા માંગવાનું કારણ એવું જણાવ્યું છે કે, લોકો આશ્ચર્ય પામ્યા છે. આ યુવકે જેલમાં બંધ હોવા દરમિયાન સામાજિક, પારિવારિક માનહાનિ અને શારીરિક ત્રાસ બદલ વળતરની રકમની માંગણી કરી છે.
વળતર પેટે યુવકે માંગ્યા 10 હજાર કરોડ
યુવકે લાખ-બે લાખ કે કરોડ રૂપિયા નહીં પણ પૂરા 10 હજાર કરોડ રૂપિયા માંગ્યા છે. આ અહેવાલો સામે આવ્યા બાદ લોકો આશ્ચર્ય પામ્યા છે. મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના રહેવાસી યુવકે રાજ્ય સરકાર પર 10 હજાર કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. આ યુવકને દુષ્કર્મના ગુનામાં ખોટીરીતે ફસાવાયો હતો, જેના કારણે તેને જેલમાં જવુ પડ્યું હતું. હવે આ યુવકે સરકાર પાસેથી વળતર પેટે આટલી મોટી રકમની ડિમાન્ડ કરી દીધી છે.
આદિવાસી યુવકના 10 કરોડના વળતરનો હિસાબ
રતલામના યુવક કાંતિલાલ ભીલ ઉર્ફે કંતૂને 666 દિવસ અગાઉ દુષ્કર્મના આરોપમાં પોલીસે જેલમાં ધકેલી દીધો હતો. આ કેસની સુનાવણીમાં યુવક નિર્દોષ સાબિત થયો હતો અને કોર્ટે તેને છોડી મુક્યો હતો. બે વર્ષે જેલમાંથી બહાર આવ્યા બાદ યુવકે રાજ્ય સરકાર પર 10 હજાર કરોડનો દાવો માંડ્યો છે. યુવકનું કહેવું છે કે, જેલવાસ દરમિયાન તેના પરિવારે જે અપમાનનો સામનો કરવો પડ્યો, તે તમામ દિવસો મરવા જેવા હતા. પરિવારમાં માત્ર તે એક જ કમાનાર હોવાથી તેના પરિવારએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત આ આરોપના કારણે તેની કારકિર્દી પણ બરબાર થઈ ગઈ છે. પરિવાર સહિત તેને જે શારીરિક અને માનસિક સ્થિતિનો સામનો કરવો પડ્યો, તે પ્રમાણે દિવસના હિસાબ મુજબ 1-1 કરોડનું વળતર જોઈએ. આ રકમ સિવાય યુવકે અન્ય રકમના હિસાબનું કારણ તમામને આશ્ચર્ય પમાડનારું છે.
શારીરિક સુખ ન માણવાના હિસાબ પ્રમાણે હજારો કરોડ રૂપિયા માગ્યા
કાંતિલાલ નામના આ યુવકની દલીલ છે કે, તેને અને તેના પરિવારને સામાજિક ટોણાના કારણે દરરોજ માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો. લોકો તેને દુષ્કર્મનો પરિવાર કહીને બોલાવતા હતા. પોલીસની ખોટી તપાસના કારણે મારી સાથે આ બધુ થયું. કાંતિલાલનું કહેવું છે કે, બે સમયના રોટલા પણ મારા પરિવારને નસીબમાં મળ્યા ન હતા. તેણે જેલમાં વિતાવેલા તમામ દિવસોનું પુરુ ભરણ-પોષણનું વળતર જોઈએ. આ ઘટનામાં યુવક દ્વારા વળતર માટે એક ચોંકાવનારું કારણ પણ આપ્યું હતું, જેમાં તેનું કહેવું છે કે, તે જેલવાસના બે વર્ષ દરમિયાન શારીરિક સુખ પણ માણી શક્યો ન હતો. જેના કારણે સરકારે 10 હજાર કરોડનું વળતર ચુકવવું પડશે.
પરિવાર પાસે કપડા માટે પણ નાણાં નહતા
35 વર્ષિય કાંતિલાલનું કહેવું છે કે, શારીરિક સુખનો આનંદ એ મનુષ્યને અપાયેલી ભગવાનની ભેટ છે. ખોટા આરોપ બાદ જેલમાં રહેવાના કારણે તે બે વર્ષ સુધી શારીરિક સુખનો આનંદ માણી શક્યો નથી. કાંતિલાલે આરોપ કર્યો છે કે, ખોટા ગુનામાં જેલમાં ધકેલી દેવાના કારણે તેની આખી દુનિયા સંપૂર્ણરીતે બદલાઈ ગઈ. તેની પત્નિ-બાળકો અને માતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પરિવાર પાસે કપડા ખરીદવાના પણ નાણાં ન હતા. તેણે પણ જેલમાં કપડા વગર કડકડતી ઠંડી અને ગર્મીનો સામનો કરવો પડ્યો. આ તમામનું સંપૂર્ણ વળતર જોઈએ. કેસ લડવા માટે તેની પાસે નાણાં પણ ન હતા, ત્યારે એક વકીલે મફતમાં કેસ લડી આપ્યો અને આજે નિર્દોષ છુટ્યા છે.
જાગૃતિ માટે સરકાર પર દાવો કર્યો
યુવકનું કહેવું છે કે, તે આવા કેસોને લઈને સમાજમાં જાગૃતિ લાવવા ઈચ્છે છે. આવા કેસોમાં પોલીસે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. જો કોઈ મહિલા કોઈને ખોટા કેસમાં ફસાવે તો તે મહિલા વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કાંતૂ તરફથી વકીલ વિજય સિંહ યાદવે રાજ્ય સરકાર અને પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ 10 હજાર 6 કરોડ 2 લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે. 2018માં કોરોના કાળ પહેલા એક મહિલાએ તેને ખોટા આરોપમાં ફસાવ્યો હતો. પોલીસે આ કેસમાં તપાસ કર્યા વગર યુવકના વિરૂદ્ધ કાર્યવાહી કરતા યુવકની જિંદગી બરબાર થઈ ગઈ. આવી ઘટના કોઈ બીજા સાથે ન બને, તે માટે તેણે આ કેસ કર્યો છે.