VIDEO: મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, બસને આગ ચાંપી, ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
MSRTC બસોના સંચાલન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
Maratha Reservation In Maharashtra: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે દેખાવકારોએ અંબાદ તાલુકાના તીર્થપુરીમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક એક બસને આગ ચાંપી દીધી હતી. મરાઠા સમાજ દ્વારા અનામતને લઈને રાજ્ય સરકાર સામે દેખાવ કરી રહ્યા છે. જેને લઈને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને આગામી સૂચના સુધી જિલ્લામાં બસ સેવાઓ બંધ કરી દીધી છે.
દેખાવકારો સામે પોલીસ ફરિયાદ દાખલ
આ મામલે એમએસઆરટીસીએ જણાવ્યું કે, 'મરાઠા દેખાવકારો દ્વારા બસમાં આગ લગાવ્યા બાદ એમએસઆરટીસીના અંબાડ ડેપો મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.' નોંધનિય છે કે, મરાઠા સમાજ ઘણાં વર્ષોથી મરાઠા અનામત મુદ્દે રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. જો કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલ મરાઠા અનામત બિલ સર્વસંમતિથી પસાર કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય મરાઠાઓને 50 ટકાની મર્યાદા કરતાં 10 ટકા અનામત આપવાનો હતો.
જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
અગાઉ મરાઠા અનામત આંદોલનને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લાના અંબાદ તાલુકામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જાલના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કૃષ્ણ પંચાલે આદેશમાં જણાવ્યું હતું કે, 'મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે રવિવારે જાહેરાત કરી હતી કે તે મુંબઈ જશે અને મરાઠા સમાજ માટે અનામતની માગને લઈને વિરોધ કરશે.'
મને મારવા ઈચ્છે છે ફડણવીસ: જરાંગે
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગેએ રવિવારે જાહેરાત કરી હતી કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આવાસની બહાર દેખાવ કરીશ. કેટલાક લોકોને મારા વિરૂદ્ધ આરોપ લગાવવા માટે લાલચ અપાઈ રહી છે. તેના પર પ્રેશર અપાઈ રહ્યું છે. આ ષડયંત્રો પાછળ ફડણવીસનો હાથ છે. તેઓ મને મારવા ઈચ્છે છે. હું સાગર બંગલા સુધી માર્ચ કરવા તૈયાર છું. આ એલાને તેમના સમર્થકોને ચોંકાવી દીધા છે.