રતન તાતાને 4 વખત પ્રેમ થયો પણ લગ્ન સુધી પહોંચાયું જ નહીં
ભારત-ચીન યુદ્ધના કારણે પહેલી વખત તેમના લગ્ન થતાં થતાં રહી ગયા
દેશ અને દુનિયાને વેપાર અને વ્હાલ કેવી રીતે સમાંતર ચાલવી શકાય તેનો આજીવન સંદેશો આપીને જીવનલીલા સંકેલી લેનારા રતન તાતાનું અંગત જીવન ઘણું એકલવાયું હતું.
તેમણે પોતાની જાતે તાતા જૂથના વિકાસમાં જોડી દીધી હતી છતાં તેમણે ક્યાંક વસવસો હતો કે, તેઓ લગ્ન ન કરી શક્યા, પરિવાર વિસ્તારી ન શકાય. તેમને જીવનના ઘણા તબક્કે જીવનસાથીનો અભાવ વર્તાયો હતો. તેમણે પોતાના મેનેજર શાંતનુની સ્ટાર્ટઅપ ય્ર્ર્ગકીનર્નુજના ઓપનિંગ દરમિયાન આ બધી જ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 'તમને જરાય અણસાર નથી અથવા ખબર નથી કે એકલા રહેવું કેવું હોય છે? જ્યાં સુધી તમે એકલા સમય પસાર કરવા માટે મજબૂર નહીં થાઓ ત્યાં સુધી તમને એકલતાનો અનુભવ જ નહીં થાય. વૃદ્ધત્વના ઉંબરે પહોંચી જશો ત્યાં સુધી આ એકલતા કોરી ખાશે અને પછી વૃદ્ધત્ત્વ વધારે હેરાન કરશે.'
૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધના કારણે લગ્ન ન થઈ શક્યા
રતન ટાટાએ એક તબક્કે જણાવ્યું હતું, કે તેમને પ્રેમ થઈ ગયો હતો અને તેઓ લગ્ન કરવાની તૈયારીમાં જ હતા. ત્યારે અચાનક રતન ટાટાને થોડા સમય માટે સ્વદેશ પરત ફરવું પડયું. તે સમયે છેલ્લાં સાત વર્ષથી બિમારીમાં સપડાયેલા તેમના દાદીની તબિયત વધારે ખરાબ થઈ હતી. તેમને હતું કે તેમની સાથે પ્રેમિકા અને થનારી પત્ની પણ ભારત આવશે અને દાદીને મળશે. તેઓ તો લગ્ન કરીને પણ ભારત આવવા તૈયાર હતા. તે સમયે ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાયું. આવી સ્થિતિમાં પ્રેમિકાના માતા-પિતા રતન ટાટા સાથે તેમની પુત્રીને ભારત મોકલવા માગતા નહોતા. આ ઉપરાંત તેઓ રતન સાથે પોતાની પુત્રીના સંબંધો આગળ વધારવા માગતા ન હતા. જેના કારણે રતન ટાટાનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો.
એકવાર નહીં પરંતુ ચાર-ચાર વાર થયો હતો પ્રેમ
રતન ટાટાને એકવાર જ પ્રેમ થયો હોય એવું પણ નથી. તેઓ પોતાની લાઈફમાં ચાર વખત સીરિયસ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. તમામ રિલેશનને તેઓ લગ્ન સુધી લઈ જવા માગતા હતા. પરંતુ કોઈને કોઈ કારણોસર તેમના રિલેશન તૂટી ગયા. ત્યારબાદ તેમણે પોતાના કામ પર ફોકસ કરવાનું નક્કી કર્યુ. એ વાત બધા જ જાણે છે કે રતન ટાટા આજીવન અપરણિત રહ્યા. આ વાતનો તેમને કોઈ વસવસો પણ નથી. જોકે તેમણે ઘણીવાર નિવેદન પણ આપ્યુ છે કે, 'સારુ થયુ કે હું સિંગલ રહ્યો. કારણકે જો લગ્ન કરી લીધા હોત, તો કદાચ સ્થિતિ ખૂબ જુદી અને જટિલ બની જાત'.
- ભારતીય અભિનેત્રી સીમી ગરેવાલ સાથે પણ તેમના કુણા સંબંધો હતા જે લગ્ન સુધી પહોંચ્યા નહીં
- સિમી ગરેવાલે રતન ટાટા સાથેના પ્રેમને સ્વીકાર્યો હતો
સિમી ગરેવાલ અને રતન ટાટા વચ્ચેના વિશે તત્કાલિન મીડિયા રિપોર્ટ્સમાં અલગ-અલગ વાતો કહેવામાં આવતી હતી.
રતન તાતા અને સિમી વચ્ચેનો સંબંધ સિમીએ જ એક વખત ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, રતન તાતા જ્યારે અમેરિકાથી અભ્યાસ કરીને પરત આવ્યા ત્યારે અમારી મુલાકાત થઈ હતી. અમારી પ્રારંભિક મિત્રતા એકબીજાને પસંદ કરવા સુધી વિસ્તરી હતી. અમે બંને એકબીજાની સાથે ઘણો સમય પસાર કરતા હતા.
હું અને રતન ટાટા એકબીજાને ડેટ કરતા હતા પણ અમારો પ્રેમ સંબંધ આગળ વધી શક્યો નહીં. અમારી વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. તેમ છતાં આજીવન અમે ખૂબ જ સારા મિત્રો બનીને રહ્યા. સિમીએ કહ્યું હતું કે રતન ટાટા માટે પૈસા ક્યારેય મહત્વપૂર્ણ રહ્યા જ નહોતા. તેમનું સેન્સ ઓફ હ્યુમર ગજબનું હતું. તેઓ ખરેખર ઉમદા વ્યક્તિ હતા.