રેટ હોલ માઈનિંગ : એ પ્રતિબંધિત પ્રવૃત્તિ જેણે સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને જીવતાં બચાવ્યાં

2014માં પર્યાવરણ બચાવવા રેટ હોલ માઈનિંગ પર પ્રતિબંધ મૂકાયો હતો

ઉંદર જે રીતે દર બનાવે તે રીતે કોલસાની ખાણોમાં સુરંગ બનાવવા માટે જાણીતા છે રેટ માઈનર્સ

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
રેટ હોલ માઈનિંગ : એ પ્રતિબંધિત પ્રવૃત્તિ જેણે સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને જીવતાં બચાવ્યાં 1 - image


Silkyara tunnel accident News | સિલ્ક્યારા સુરંગમાં દિવાળી સમયે ફસાઈ ગયેલા 41 મજૂરોને જ્યારે બચાવવામાં આવ્યા ત્યારે સમગ્ર વિશ્વમાં ભારતની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. આ મજૂરોને બચાવવા માટે જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી. એનડીઆરએફના જવાનો, આર્મીના જવાનો, સ્થાનિક તંત્ર, સ્થાનિક પોલીસ, સીએમ, કેન્દ્રીય મંત્રીઓ, વિદેશી એજન્સીઓ તથા વડા પ્રધાનનું સતત મોનિટરિંગ એક સૂત્રે સંકળાયેલું હતું જેને પરિણામે 17 દિવસે 41 જિંદગી બચાવવામાં આવી હતી. આ સામૂહિક પ્રયાસ વચ્ચે એક એવી ટેકનિક ચર્ચામાં આવી હતી જેણે નવ વર્ષ પહેલાં પણ ચર્ચા જગાવી હતી. રેટ માઈનિંગ પ્રોસેસ (Rat Holl Mining) દ્વારા મજૂરોને બચાવવામાં આવ્યા હતા. જાણકારોના મતે સુરંગમાં જે રીતે મજૂરો ફસાયેલા હતા તેમાં તેમને બચાવવાનું કામ સૌથી વધારે કપરું હતું. જો ગમે તે રીતે આજુબાજુથી સુરંગ ખોદવામાં આવે તો આખી ટનલ ધસી પડવાનો અને મજૂરોના જીવ જવાનો ભય હતા. આ સંજોગોમાં પહેલાં વિદેશી એજન્સીઓ અને મશીનોને કામે લગાડવામાં આવ્યા હતા. આ મશિનો નિષ્ફળ ગયા બાદ મેઘાલય અને ઉત્તરાખંડમાં રેટ માઈનર્સ તરીકે કામ કરતા લોકોની મદદ લેવામાં આવી હતી. રેટ માઈનિંગ પ્રોસેસને પગલે જ કાટમાળમાંથી રસ્તો પસાર કરીને બચાવ માટેની પાઈપ પસાર કરવામાં આવી અને મજૂરોને બચાવવામાં આવ્યા હતા. આ રેટ માઈનિંગ કોલસાની ખાણમાં ઉપયોગમાં લેવાતી એવી પ્રવૃત્તિ હતી જેને 2014માં ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. તેમ છતાં મેઘાલય, આસામ જેવા રાજ્યોમાં આજે પણ તેનો ઉપયોગ થાય છે અને ગેરકાયદે કોલસાનું ખનન પણ થાય છે. આ ખનન કરનારા લોકોની આવડત, અનુભવ અને મહાવરાને પગલે જ 41 લોકોના જીવ બચ્યા હતા.

બદલાતા અને આધુનિક ભારતનું ઉદાહરણ : જાણકારો

આ ઘટના બની ત્યારથી મજૂરોને બચાવાયા ત્યાં સુધી પીએમઓના પાંચ અધિકારીઓ ત્યાં કન્ટેનરમાં જ રોકાયા અને સમગ્ર કામગીરીનું નિરિક્ષણ કરતા રહ્યા. તેઓ સતત પીએમને આ મુદ્દે અપડેટ આપતા રહ્યા. બીજી તરફ ઘટનાના બની ત્યારથી ઉત્તરાખંડના સીએમ સતત ત્યાં આવતા રહ્યા અને સ્થિતિનો તાગ મેળવતા રહ્યા. આ ઉપરાંત નિતિન ગડકરી, વી.કે. સિંહ જેવા મંત્રીઓ સતત ત્યાં આવતા અને જતા હતા જેથી સ્થિતિનો સાચો તાગ મળી શકે અને કામગીરીને ઝડપી બનાવી શકાય. મહત્ત્વની વાત એ છે કે, અહીંયા તાત્કાલિક હેલિપેડનું નિર્માણ કરી દેવાયું. આ ઉપરાંત એરફોર્સના જંબો હવાઈ જહાજો બચાવ અને સેવા કામગીરી માટે કામે લગાવી દેવાયા. એનડીઆરએફના જવાનો તથા આર્મીના જવાનો ખડેપગે રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા. હૈદરાબાદથી તાત્કાલિક ઓગર મશિન લાવી દેવાયું. ત્યારબાદ સ્લોવેનિયાથી માઈનિંગ રેસ્ક્યૂના જાણકારોની ટીમ બોલાવી લેવાઈ. આ ઉપરાંત અમેરિકા ખાતેથી વિશેષ પ્લાઝમા કટર મશિન લવાયા. આ સિવાય સ્વીટ્ઝર્લેન્ડથી રોબોટ અને ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર મગાવી લેવાયા. ટનલની બહારથી પાઈપ પસાર કરીને અંદર સુધી મોકલાયો. તેમાંથી ઓક્સિજનનો પૂરવઠો જવા દેવામાં આવ્યો. આ માટે ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટ બહાર જ ઊભો કરી દેવાયો. આ સિવાય રેટ માઈનર્સની ટૂકડીને બોલાવી લેવાઈ જેમણે અંતિમ ઘડીએ અનોખી કામગીરી કરી અને તમામ મજૂરોને બચાવી લેવાયા.

રેટ હોલ માઈનિંગ જોખમી સાબિત થતું હતું

જાણકારોના મતે રેટ હોલ માઈનિંગ ઝડપી અને પરંપરાગત કામગીરીનું સાધન હતું પણ તેના જોખમો વધારે હતા. સૌથી મોટી બાબત એ હતી કે, આ માઈનિંગ અનિયમિત અને અસુરક્ષિત હોય છે. તેમાં વેન્ટિલેશનનો અભાવ હોય છે તથા તેની મજબૂતાઈની પણ કોઈ ગેરન્ટી હોતી નથી. રેટ હોલ માઈનિંગ કરનારા લોકો દ્વારા પારંપરિક રીતે ઉપયોગમાં લેવાતા સાધનોનો જ ઉપયોગ કરીને માઈનિંગ કરવામાં આવતું હોય છે. તેઓ સુરક્ષાના આધુનિક અને મજબૂત કહી શકાય તેવા સાધનોનો ઉપયોગ કરતા નથી. તેના કારણે જીવનું સૌથી મોટું જોખમ સર્જાય છે. આ સિવાય ખાણમાંથી નીકળતા પ્રવાહી મોટાભાગે એસિડિક હોય છે. આ પ્રવાહી પાણીમાં ભળવાના કારણે નદીઓ એસિડિક થઈ જતી હતી.

રેટ હોલ માઈનિંગ અને તેનો ઈતિહાસ

ઉત્તર-પૂર્વ ભારતમાં કોલસાની ખાણમાંથી કોલસા કાઢવા માટે રેટ હોલ માઈનિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. મોટાભાગે અસમ અને મેઘાલયમાં આ પદ્ધતિનો વધારે ઉપયોગ કરવામાં આવતો હતો. રેટ હોલ માઈનિંગ કરનારા લોકો દ્વારા નાની અને આડીઅવળી વિસ્તરેલી ખાણમાંથી કોલસો શોધવાની કામગીરી કરવામાં આવતી હતી. તેઓ પોતાના પારંપરિક સાધનો કોલસો ખોદી લાવતા હતા. આ ઉપરાંત ઘણી વખત ખાણમાં ફસાયેલા લોકોને પણ કાઢવામાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે બે પ્રકારે રેટ હોલ માઈનિંગ થતું હોય છે. પહેલો પ્રકાર છે સાઈડ કટિંગ માઈનિંગ જેમાં આડાઅવળા પહાડો અને પર્વતોને તથા ખીણ પ્રદેશમાં માઈનિંગ કરવા માટે હોલ પાડવામાં આવતા હોય છે. મોટાભાગે કોલસાની ખાણોમાં ઘુસવા અને કોલસો કાઢી લાવવા માટે આ પદ્ધતિ સૌથી વધારે ચલણમાં હતી. બીજો પ્રકાર છે જેને બોક્સ કટિંગ કહે છે.

આ કારણોના લીધે પ્રતિબંધ મુકવામાં આવ્યો

મેઘાલયમાં સરકાર પાસે જમીન ઉપર ઘણો ઓછો કન્ટ્રોલ હતો. તેના કારણે ત્યાં કોલસાની ખાણો બચાવવા માટે કોલ માઈન્સ નેશનલાઈઝેશન એક્ટ 1973 લાવવામાં આવ્યો પણ તેની ખાસ અસર થઈ નહોતી. 1972માં જ મેઘાલયને રાજ્યનો દરજ્જો આપી દેવાયો હોવા છતાં જમીનના માલીકો દ્વારા જ ખાણ ઉપર પણ માલિકી દાખવવામાં આવતી હતી અને કોલસાનું ખનન મોટાપાયે થતું હતું. આસામ, મેઘાલય, નેપાળ અને બાંગ્લાદેશમાંથી રોજમદાર તરીકે રેટ હોલ માઈનર્સ આવતા હતા. ઘણી વખત પહાડમાં કાણા પડવાથી પાણી ઉતરતું અને એકાએક આવી સુરંગોમાં પૂર આવી જતું અને મજૂરો ફસાઈ જતા હતા. ઘણા કિસ્સામાં મજૂરોના મોત થયાની પણ ઘટનાઓ બની હતી. આ ઉપરાંત મેઘાલયની બત્નદીઓ લુખા અને મીન્ડુ એટલી બધી એસિડિક થઈ ગઈ હતી કે, તેમાં સજીવસૃષ્ટીનો નાશ થવા લાગ્યો હતો. તેના પગલે એનજીટી દ્વારા 2014માં રેટ હોલ માઈનિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મોટી દુર્ઘટના 2018માં બની હતી જ્યારે ઈસ્ટ જૈન્તિઆ હિલ ખાતે ગેરકાયદે ખનન દરમિયાન પૂરના પાણી આવી ગયા અને 17 મજૂરો ડૂબી ગયા હતા. આ ઘટનાએ રેટ હોલ માઈનિંગને સંપૂર્ણ રીતે પ્રતિબંધ માટે બળ પૂરું પાડયું.

ઓગર મશીન પણ નિષ્ફળ ગયા બાદ રેટ માઈનર્સને બોલાવીને મજૂરોને બચાવવામાં આવ્યા હતા

રેટ હોલ માઈનિંગ : એ પ્રતિબંધિત પ્રવૃત્તિ જેણે સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને જીવતાં બચાવ્યાં 2 - image

રેટ માઈનર્સની જરૂર શા માટે પડી?

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્રીજા ભાગનો કચરો કાપીને હોલ બનાવવામાં આવ્યું હતું પણ ઓગર મશિન આગળ ડ્રિલિંગ કરવા દરમિયાન તૂટી ગયું. તેના કારણે ઝડપી કામગીરી કરવા માટે રેટ માઈનર્સને બોલાવવામાં આવ્યા. 

- 27 નવેમ્બરના રોજ રેટ માઈનર્સને બોલાવવામાં આવ્યા જેથી તેઓ ટનલમાં આડું મેન્યુઅલ ડ્રિલિંગ કરીને કાટમાળ વચ્ચેની સુરંગ પૂરી કરે.

- 28 નવેમ્બરે સાંજ સુધીમાં તો તેમના દ્વારા કાટમાળ કાઢી લેવામાં આવ્યો અને મજૂરો જે જગ્યાએ હતા ત્યાં સુધી પાઈપ પહોંચાડી દેવાયો. ત્યારબાદ મજૂરોને બચાવીને બહાર કાઢી લેવાયા.

- રેટ હોલ ડ્રિલિંગ માઈર્નર્સ દ્વારા કાટમાળની વચ્ચે અઢી ફૂટનો પાઈપ નાખવામાં આવ્યો અને ઝડપથી મેન્યુઅલી કાટમાળ બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી.

- મહત્વની વાત એ છે કે, અહીંયા સરકાર દ્વારા રેટ હોલ માઈનિંગના એક્સપર્ટને બોલાવાયા હતા. જેઓ ગેરકાયદે રેટ હોલ માઈનિંગ કરે છે તેમને બોલાવાયા નહોતા.

વિશ્વના જાણીતા ગુફા અને સુરંગમાં કરાયેલા બચાવકાર્યો

2018 - થામ લુંગા કેવ રેસ્ક્યૂ

રેટ હોલ માઈનિંગ : એ પ્રતિબંધિત પ્રવૃત્તિ જેણે સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને જીવતાં બચાવ્યાં 3 - image

ઉત્તરી થાઈલેન્ડમાં આવેલી થામ લુંગા કેવમાં 12 કિશોરો અને તેમના કોચ દ્વારા એક ટ્રિપ મારવામાં આવી હતી. આ દરમિયાન પૂરનું પાણી ગુફામાં એક તરફથી આવી જતાં આ લોકો ગુફામાં ફસાઈ ગયા હતા. તેમાંથી બહાર આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ છોકરાઓને બચાવવા માટે થાઈલેન્ડ નેવી સીલ કમાન્ડો દ્વારા પ્રયાસ કરાયો પણ સફળતા ન મળી. ત્યારબાદ વિશ્વના વિવિધ દેશોમાંથી જાણકારો બોલાવાયા. 10000 જેટલા લોકો દ્વારા આ બચાવકામગીરી હાથ ધરવામાં આવી. 90 જેટલા વિદેશી એક્સપર્ટ તરવૈયા અને ડાઈવર્સને બોલાવવામાં આવ્યા હતા. આ લોકો દ્વારા 12 છોકરાઓ અને તેમના કોચને બચાવવામાં આવ્યા હતા. 

2014- જર્મની રેસેન્ડિંગ કેવ રેસ્ક્યૂ

રેટ હોલ માઈનિંગ : એ પ્રતિબંધિત પ્રવૃત્તિ જેણે સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને જીવતાં બચાવ્યાં 4 - image

જોહાન વેસ્ટહોસર નામનો એક એક્સપ્લોરર ઈજાગ્રસ્ત હાલતમાં જર્મનીની આ કેવમાં ફસાઈ ગયો હતો. તેઓ જમીનથી 1000 ફૂટ નીચે હતા ત્યારે માથામાં ઈજા થઈ હતી.મહત્ત્વની વાત એ છે કે, આ ગુફા 1995માં જોહાન દ્વારા જ શોધાઈ હતી. તેના વધુ અભ્યાસ માટે તેઓ ટીમ સાથે ત્યાં ગયા હતા જ્યારે તેમને જ પોતાને ગંભીર ઈજા થઈ. જોહાનની સાથે ગયેલા અન્ય એક્સપ્લોરર દ્વારા સરકારને આ વિશે જાણ કરાઈ. તેઓ તેમને સુરક્ષિત સ્થળે મૂકી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરાઈ. ઈટાલી, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વીટ્ઝર્લેન્ડ અને ક્રોએશિયાના બચાવદળના જાણકારો દ્વારા આ અભિયાનમાં સાથ આપવામાં આવ્યો અને 12 દિવસે જોનાથનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

2010- ચીલી ગોલ્ડ માઈન રેસ્ક્યૂ

રેટ હોલ માઈનિંગ : એ પ્રતિબંધિત પ્રવૃત્તિ જેણે સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને જીવતાં બચાવ્યાં 5 - image

ઓગસ્ટ 2010માં ચીલીની સેન જોશ ગોલ્ડ એન્ડ કોપર માઈનમાં 33 કારીગરો ફસાઈ ગયા હતા. તેઓ ટનલના મુખથી 5 કિ.મી. અંદર અને જમીનથી 2300 ફૂટ નીચે ફસાયા હતા. સૌથી પહેલાં તો વિવિધ સ્થળોએ હોલ પાડીને તેમને ભોજન, ઓક્સિજન અને કોમ્યુનિકેશનની સુવિધા પૂરી પાડવામાં આવી. આ દરમિયાન ફોનિક્સ કેપ્સ્યૂલનો ઉપયોગ કરીને એક પછી એક કારીગરોને બચાવવામાં આવ્યા હતા. તેમાં કુલ 24 કલાક જેટલો સમય ગયો હતો. 33 કારીગરોને બહાર કાઢવાનું આ અભિયાન કુલ 69 દિવસ સુધી ચાલ્યું હતું.

1989- રાનીગંજ માઈન રેસ્ક્યૂ

રેટ હોલ માઈનિંગ : એ પ્રતિબંધિત પ્રવૃત્તિ જેણે સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને જીવતાં બચાવ્યાં 6 - image

રાનીગંજ માઈનમાં 232 કારીગરો કામ કરતા હતા ત્યારે અચાનક પૂરના પાણી સુરંગમાં ફરી વળ્યા અને આ લોકો તેમાં ફસાઈ ગયા. 165 લોકોને તાકીદે બચાવી લેવાયા પણ 6 લોકોનાં મોત થયા અને બાકીના 65 લોકો સુરંગમાં ફસાઈ ગયા હતા. સિનિયર એન્જિનિયર જશવંત ગિલ દ્વારા તે સમયે સાત ફૂટની વિશાળ સ્ટિલની કેપ્સ્યૂલ બનાવીને લોકોને બચાવવાની યોજના બનાવાઈ. તેના ઉપર વિશ્વાસ રાખીને 72 કલાકમાં જ વિશાળ કેપ્સ્યૂલ તૈયાર કરવામાં આવી હતી. 7 ફૂટ લાંબી આ કેપ્સ્યૂલને જમીનમાં નીચે ઉતારવામાં આવી. ફાઈનલ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરતા પહેલાં ઘણી વખત તેની ટ્રાયલ લેવામાં આવી હતી. ગિલ પોતે આ કેપ્સ્યૂલમાં ગયા અને એક પછી એક તમામ કારીગરોને બચાવીને ઉપર લઈ આવ્યા. 6 કલાકના ઓછા સમયમાં જ બધાને બહાર કાઢી લેવાયા હતા.


Google NewsGoogle News