રેટ હોલ માઇનિંગ - કાયદેસર ૪૧ લોકોના જીવ બચાવનારી ગેરકાયદેસર ટેકનિકની ચર્ચા
રેટ હોલ માઇનિંગ સાંકળા રસ્તેથી કોલસો બહાર કાઢવાની ટેકનિક છે
મજૂરો માટે જોખમી અને ખતરનાક હોવાથી પ્રતિબંધ મુકવામાં આવેલો છે
નવી દિલ્હી,૨૯ નવેમ્બર,૨૦૨૩,બુધવાર
ઉત્તરકાશીમાં સુરંગ નિર્માણ દરમિયાન ૧૬ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકોને નવજીવન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદ અને આધુનિક ટેકનિક છતાં રેસ્કયુ ઓપરેશન પાછળ સૌથી વધુ ચર્ચા જેની થાય છે તે રેટ હોલ માઇનિંગ ટેકનિકની છે. પરંપરાગત રેટ હોલ ખોદકામના જાણકાર ૧૨ જેટલા કોલસાની ખાણના મજૂરોની મહેનત અને અનુભવના બળે ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોને બચાવી શકાયા હતા.
૨૪ કલાકમાં ૧૦ મીટર જેટલો રસ્તો તૈયાર કરીને રેસ્કયૂ ઓપરેશન સફળ બનાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રેટ હોલ માઇનિંગ કરવું ગેર કાયદેસર છે. તે ખૂબજ જોખમી અને ખતરનાક છે. રેટ હોલ માઇનિંગમાં અચાનક પાણી આવી જતું હોવાથી ખોદકામ કરનારાએ બચવાનો ચાન્સ રહેતો નથી. રેટ હોલ માઇનિંગ સાંકળા રસ્તેથી કોલસો બહાર કાઢવાની ટેકનિક છે જેમાં ઓછા ખર્ચે વધુ કોલસો મળે છે.
રેટ હોલનો મતલબ જમીનની અંદર સાંકળું ખોદકામ કરવું એવો થાય છે જેમાં માત્ર એક વ્યકિત જ અંદર જઇને કોલસો કાઢી શકે છે. આ ટેકનિક ઉંદર દ્વારા બનાવવામાં આવતા દર સાથે બેસતી હોવાથી રેટ હોલ માઇનિંગ કહેવામાં આવે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ દ્વારા ૨૦૧૪માં રેટ હોલ માઇનિંગ ટેકનિકથી ચાર ફૂટ ઉંચી સુરંગ બનાવવાની રેટ હોલ માઇનિંગ ટેકનિક પર મેઘાલય સરકારે પ્રતિબંધ મુકી દીધો હતો.
મેઘાલયમાં ૬ મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થતું હતું જેમાં રેટ માઇનિંગનો મોટો હિસ્સો હતો. મેઘાલયમાં પૂર્વી જંતિયા હિલ્સ જિલ્લામાં એક રેટ હોલ કોલસા ખાણ ધસી પડતા ૧૫ લોકોના મોત થયા હતા. રેસ્કયુ ઓપરેશનમાં મળેલી સફળતા જોતા ફરી ચર્ચા શરુ થઇ છે કે ભલે રેટ હોલ માઇનિંગ ગેર કાયદેસર હોય પરંતુ માઇનર્સના ટેલેન્ટ અને અનુભવનો ઉપયોગ થવો જરુરી છે.
આધુનિક મશીનો અને ટેકનિક હોવા છતાં આ પરંપરાગત આવડત જ જીવ બચાવનારી સાબીત થઇ છે. રેટ હોલ માઇનર્સ મુન્ના કુરેશીએ જયારે પથ્થરો અને કાળમાળને દૂર કરીને મજૂરોને જોયા ત્યારે ખુશીનો પાર રહયો ન હતો. કાટમાળમાં ચટ્ટાનો વધારે હોવાથી બચાવ અભિયાન ખૂબજ મુશ્કેલ જણાતું હતું.