કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા, લોરેન્સ બિશ્નોઈએ આપી હતી ધમકી
હુમલાખોરોએ ગોગામેડીને ચાર ગોળીઓ મારી હતી
લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હત્યાની જવાબદારી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરી દેવાઈ છે. ઘટના તે સમયે બની જ્યારે તેઓ પોતાના ઘરમાં હતા. તે સમયે સ્કૂટી પર સવાર બે હત્યારા ત્યાં પહોંચ્યા. તેમના ઘરમાં જઈને બંને સોફા પર બેઠા હતા, સુખદેવ સિંહ પણ સામે બેઠા હતા. આ દરમિયાન અચાનક હત્યારાઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં ચાર ગોળીઓ સુખદેવ સિંહ ગોગામેડીને વાગી. તેમની સાથે હાજર કેટલાક અન્ય લોકોને પણ ગોળી વાગી ગઈ છે. તમામને તાત્કાલિક જયપુરની માનસરોવર સ્થિત મેટ્રો માસ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. આ ઘટનાને લઈને રાજસ્થાન અને સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. હાલ પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.
જણાવાય રહ્યું છે કે, શ્યામ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, મંગળવાર બપોરે અંદાજિત 1:45 વાગ્યે શ્યામનગર જનપથ સ્થિત સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં બે હુમલાખોર આવ્યા હતા. તેમણે ગોગામેડી પર ધડાધડ ફાયરિંગ કરી દીધું હતું.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હત્યાની જવાબદારી
ગેંગસ્ટર રોહિત ગોદારાએ ટ્વીટ કરીને કહ્યું કે, રામ રામ તમામ ભાઈઓને. હું રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડી બરાર. ભાઈઓ આજે જે આ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા થઈ છે. તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. આ હત્યા અમે કરાવી છે. ભાઈઓ તમને જણાવવા માંગું છું કે, આ અમારા દુશ્મનો સાથે મળીને તેમને સહયોગ કરતો હતો. તેને પૂર્ણ રીતે મજબૂત કરવાનું કામ કરતો હતો અને રહી વાત અમારા દુશ્મનોની તો તેઓ પોતાના ઘરના અર્થી તૈયાર રાખે. જલ્દી જ તેમની સાથે પણ મુલાકાત થશે. જોકે, ગુજરાત સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ ટ્વિટની હકિકતની પુષ્ટિ નથી કરતું.
શેખાવતે શાંતિ જાળવી રાખવાની કરી અપીલ
રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાથી રાજપૂત સમાજમાં રોષ છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વિટ કરીને કહ્યું કે, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવ સિંહ ગોગામેડીજીની હત્યાના સમાચારથી સ્તબ્ધ છું. આ સંદર્ભમાં પોલીસ કમિશનર પાસેથી માહિતી લીધી છે અને આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવા કહ્યું છે. સમાજના લોકોને શાંતિ અને ધીરજ રાખવી પડશે. ભાજપ સરકારે શપથ લેતા જ રાજ્યને ગુનામુક્ત કરવું અમારી પ્રાથમિકતામાં છે. ગોગામેડીજીની આત્માને પ્રભુ શાંતિ આપે. પરિવારજનો અને સમર્થકો-શુભચિંતકોને હિંમત મળે.