જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ, ગોગામેડીની ધોળે દિવસે ગોળીબારથી કરાયેલી હત્યા
- શાંતિ, સુરક્ષા, સલામતી જેવા શબ્દો ભૂલી જઇએ
- મંગળવારે બપોરે 1.45 વાગે સુખદેવ સિંહ પોતાના ઘરની બહાર ઉભા હતા ત્યારે સ્કૂટર પર આવેલ બે શખ્સોએ ગોળી ધરબી દીધી
જયપુર : માત્ર ભારતમાં જ નહીં લગભગ દુનિયાના દરેક દેશોમાં અચાનક અને અણચિંતવી હત્યાઓના સમાચારો આવ્યા જ કરે છે. યુક્રેન કે ગાઝાપટ્ટીનાં યુદ્ધો કે યુએસમાં લગભગ રોજેરોજના ગોળીબારો કે આફ્રિકાનાં સુદાન, સેનેગલ જેવા કેટલાયે દેશોમાં તો હત્યાકાંડના સમાચારો રોજીંદા બની ગયા છે. અન્ય અનેક દેશોના પ્રમાણમાં ભારતમાં થોડી શાંતિ હોવાનું કહેવાતું હતું. પરંતુ હવે તો ભારતમાં પણ બેન્ક ધાડ, લૂંટફાટ બળાત્કાર અને વૈરતૃપ્તિ માટે કરાતી હત્યાઓ રોજીંદી ઘટનાઓ બની રહી છે.
આવી જ એક હત્યા જયપુરમાં મંગળવારે ભર બપોરે ૧.૪૫ મિનિટે બની હતી. પ્રાપ્ય માહિતી પ્રમાણે જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવા સિંહ ગોગા મેડી તેઓનાં શ્યામનગર જનપથ સ્થિત ઘરની બહાર તેઓના મિત્ર અજિતસિંહ સાથે વાત કરતા ઉભા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો સ્કૂટર ઉપર આવી તેમને ચાર ગોળી મારી ઝડપભેર નાસી ગયા. તે ગોળીબારમાં સુખદેવ સિંહના મિત્ર અજિતસિંહને પણ ઇજાઓ થઇ હતી.
આ પછી તુર્ત જ સુખદેવ સિંહને મેટ્રો માસ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તબીબોએ તેઓને મૃત ઘોષિત કરાયા હતા. તો બીજી તરફ તે હત્યા કરનારાઓનો પણ કોઈ પત્તો હજી સુધી લાગ્યો નથી.