અમિત શાહના નિવેદનની ટીકા ભારે પડી! RLDના પ્રવક્તાની પાર્ટીમાંથી કરાઈ હકાલપટ્ટી
RLD Has Removed All its Spokespersons: રાષ્ટ્રીય લોકદળ (RLD)એ પોતાના તમામ પ્રવક્તાઓને પદ પરથી હટાવી દીધા છે. જયંત ચૌધરીના આદેશ પર આ તમામને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. પાર્ટીએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે, RLDના તમામ રાષ્ટ્રીય પ્રવક્તાઓ અને ઉત્તર પ્રદેશના તમામ પ્રવક્તાઓની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાર્ટીના એક પ્રવક્તાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક નિવેદનની ટીકા કરી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
અમિત શાહે શું કહ્યું હતું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 17 ડિસેમ્બરે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, હવે તે એક ફેશન બની ગઈ છે... આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત, તો સાત જન્મો સુધી તમને સ્વર્ગ મળી ગયું હોત. તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમને આનંદ છે કે, તમે આંબેડકરનું નામ લો છો. આંબેડકરનું નામ હજું 100 વખત લો. પરંતુ આંબેડકર પ્રત્યે તમારી ભાવના શું છે તે હું જણાવું. આંબેડકરે દેશની પ્રથમ કેબિનેટમાંથી રાજીનામું કેમ આપી દીધું હતું?
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આંબડકરે ઘણી વખત કહ્યું હતું કે, હું અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના વ્યવહારથી અસંતુષ્ટ છું. તેમણે સરકારની વિદેશ નીતિ સાથે અસંમતિ વ્યક્ત કરી હતી અને કલમ 370 સાથે પણ સહમત ન હતા. આંબેડકરને આશ્વાસ આપવામાં આવ્યું હતું જે બાદમાં પૂર્ણ કરવામાં ન આવ્યું, તેથી તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. અમિત શાહ અહીં જ ન અટક્યા, ત્યારબાદ તેમણે જવાહરલાલ નેહરુનું પણ એક નિવેદન વાંચ્યું જે આંબેડકરના રાજીનામા અંગે આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, શ્રી બીસી રોયે એક પત્ર લખ્યો હતો કે, જો આંબેડકર અને રાજાજી જેવા બે મહાનુભવો કેબિનેટ છોડી દેશે તો શું થશે. નહેરુજીએ તેના જવાબમાં લખ્યું કે, રાજાજીના જવાથી થોડું નુકસાન થશે, આંબેડકરના જવાથી કેબિનેટ નબળું નહીં પડે.