રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાઇરલ કરનાર આંધ્રમાંથી પકડાયો
- ડીપફેક વીડિયો બનાવીને અપલોડ કરનાર નવીન બીટેક સ્ટુડન્ટ
- અભિનેત્રીઓના ડીપફેક વીડિયોમાં હવે નોરા ફતેહીનું પણ નામ જોડાયું ઃ નોરાએ નારાજગી વ્યક્ત કરી
- નવીને રશ્મિકા મંદાનાના વેબ પેજના ફોલોઅર્સ વધારવા પગલું લીધુ ઃ આકરી ટીકાના પગલે ડરી ગયો
નવી દિલ્હી: સાઉથની દિલ્હી પોલીસે સાઉથની પુષ્પા ફિલ્મની સ્ટાર રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો વાઇરલ કરનારને પકડી પાડયો છે. આરોપીનું નામ નવીન છે. તે સ્વ. સંબાશિવ રાવ ઇમામીનો પુત્ર છે. આંધ્રના ગંટુર જિલ્લામાં પહોંચીને પોલીસે તેને પકડયા હતો. આરોપી નવીન આંધ્રના ગુંટુર જિલ્લાના પલાપારુ ગામનો રહેવાસી છે. તેણે ચેન્નાઈની એન્જિનીયરિંગ કોલેજમાંથી બી ટેક કર્યુ છે.
તેણે આ ઉપરાંત ગૂગલ ગેરાજમાંથી ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કર્યો છે. તેણે વેબસાઇટ ડેવલપમેન્ટ, ફોટોશોપ, યુ-ટયુબ પરથી વિડીયો એડિટિંગ, જેવા કોર્સ પણ પૂરા કર્યા છે. તે તેના ઘરેથી જ ફોટોશોપ, ઇન્સ્ટાગ્રામ પ્રમોશન ચેનલ, યુટયુબ વિડીયો બનાવવા અને એડિટિંગ કરવાનું કામ કરે છે. તે યુટયુબ પરથી ડીપફેક વિડીયો બનાવવાનો શીખ્યો છે.
બોલિવૂડ હીરોઇનોના વધતા ડીપફેક વિડીયોમાં અભિનેત્રી નોરા ફતેહીનું નામ પણ જોડાયું છે. તેનો એક ડીપફેક વિડીયો સામે આવ્યો છે અને તે ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.આ વિડીયો ઓનલાઇન શોપિંગનો છે. આરોપીએ પોતે ખુલાસો કર્યો કે તે પોતે રશ્મિકા મંદાનાનો ફેન છે. તે સોશિયલ મીડિયા પર તેનું ફેન પેજ ચલાવતો હતો. તેણે અન્ય બે ફિલ્મસ્ટારના પણ ફેન પેજ બનાવ્યા છે. તેના લાખો ફોલોઅર્સ છે. પણ રશ્મિકાના પેજ પર ફક્ત ૯૦ હજાર જ ફોલોઅર્સ હતા. આ ફોલોઅર્સની સંખ્યા તે વધારવા માંગતો હતો. તેથી તેણે રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર તેને પોસ્ટ કર્યો. તેના પગલે તેની ફેન ફોલોઇંગ વધીને એક લાખનો આંકડો વટાવી ગઈ. પણ આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ વિડીયો ડીપફેક હોવાની વાત ફેલાતા સનસનાટી મચી ગઈ. કેટલાય લોકોએ તેની સામે લખવાનું શરુ કર્યુ. તેના પછી આરોપીન લાગ્યું કે તેણે કંઇક ખોટુ કર્યુ છે. તેથી તેણે ડરી જઈને ઇન્સ્ટાગ્રામપરથી તે વિડીયો ડીલિટ કરી નાખ્યો. એકાઉન્ટનું નામ પણ બદલી નાખ્યું. તેણે ડિજિટલ ડેટા પણ હટાવી દીધો.
સાઉથની પુષ્પા ફિલ્મની સ્ટાર રશ્મિકા મંદાનાનો વિડીયો છ નવેમ્બર ૨૦૨૩ના રોજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. આ વિડીયોમાં અભિનેત્રી એકદમ બોલ્ડ લૂકમાં હતી. થોડા કલાકમાં જ વિડીયોની સચ્ચાઈ સામે આવી હતી. તેમા ખબર પડી હતી કે વિડીયોમાં જે હતી તે રશ્મિકા મંદાના નહી, પણ બ્રિટિશ ઇન્ડિયન સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ઝારા પટેલ છે.