બંગાળમાં દુષ્કર્મીઓને મળશે મોત: મમતા સરકારનું 'અપરાજિતા' બિલ પાસ, જાણો 10 મોટી વાત

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
બંગાળમાં દુષ્કર્મીઓને મળશે મોત: મમતા સરકારનું 'અપરાજિતા' બિલ પાસ, જાણો 10 મોટી વાત 1 - image


Image: Facebook

Anti-Rape Bill West Bengal: 'અપરાજિતા વુમન એન્ડ ચાઈલ્ડ બિલ' (પશ્ચિમ બંગાળ ફોજદારી કાયદામાં સુધારો) મંગળવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાથી પાસ થઈ ગયુ. વિપક્ષના પૂર્ણ સમર્થનની સાથે 'એન્ટી રેપ બિલ' સર્વસંમતિથી પાસ થઈ ગયુ. ગૃહે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા બિલમાં પ્રસ્તાવિત સુધારા સ્વીકાર કર્યાં નહીં. બિલના ડ્રાફ્ટમાં દુષ્કર્મ પીડિતાનું મૃત્યુ કે તેના કોમામાં જતાં રહેવાની સ્થિતિમાં દોષિતો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ સિવાય દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના દોષિતોને આજીવન કેદની સજા આપવામાં આવે અને તેમને પેરોલની સુવિધા આપવામાં ન આવે તેવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળ સરકારના બિલમાં મુખ્ય પ્રસ્તાવ

ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને યૌન ગુનાથી બાળકોનું રક્ષણ અધિનિયમ 2012 હેઠળ સંબંધિત જોગવાઈઓમાં સુધારાની માગ કરનાર બિલ તમામ ઉંમરના પીડિતો પર લાગુ થશે. 

આ બિલ હેઠળ દુષ્કર્મ અને હત્યાના મામલામાં દોષિતોને આજીવન કેદની સજા સંભળાવાશે. તેનો અર્થ એ છે કે તેમણે પોતાનું સમગ્ર જીવન જેલમાં પસાર કરવું પડશે. થોડા વર્ષો બાદ છોડવામાં આવશે નહીં. તેમાં આર્થિક દંડની પણ જોગવાઈ હશે. 

બિલમાં દુષ્કર્મ સંબંધિત તપાસ પૂરી કરવાની સમય મર્યાદાને બે મહિનાથી ઘટાડીને 21 દિવસ કરવાનો પ્રસ્તાવ છે. આ સિવાય આવા કેસોમાં ચાર્જશીટ તૈયાર થયાના એક મહિનાની અંદર ચુકાદો સંભળાવવાનું વચન પણ આપવામાં આવ્યુ છે.

બિલમાં આવા કેસોમાં કોર્ટની કાર્યવાહી સંબંધિત કોઈ જાણકારી પ્રકાશિત કરે છે કે પીડિતાની ઓળખ ઉજાગર કરે છે તો તેને ત્રણથી પાંચ વર્ષ કેદની સજા થઈ શકે છે.

મમતા બેનર્જી સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે?

ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જેમાં યૌન શોષણ, દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ સંબંધિત કાયદા સામેલ છે. બંગાળના મામલે આમાં અમુક સુધારા લાવવામાં આવી રહ્યાં છે. માત્ર બંગાળના મામલે તાત્કાલિક સુનાવણી માટે અમુક કલમો જોડવામાં આવી રહી છે.

ફાસ્ટ્રેક કોર્ટ અને વિશેષ તપાસ ટીમ બનાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ તપાસ ટીમને ખાસ સુવિધાઓ આપવામાં આવશે. ટ્રાયલ પ્રક્રિયા નક્કી સમયમાં પૂરી થવી જોઈએ. ગંભીર ગુનાના મામલે લઘુતમ 7 દિવસોની અંદર પૂરી કરવી જોઈએ. આ પહેલા એક મહિનાની હતી. જ્યારે મૂળ કાયદામાં એક વર્ષની અંદર સજા આપવાની હતી. મૂળ કાયદા અનુસાર પોલીસ સ્ટેશને કેસ નોંધ્યાના બે મહિનાની અંદર પોતાની તપાસ પૂરી કરવાની હતી. સુધારામાં તેને 21 દિવસની અંદર પૂરી કરવાની રહેશે.

જો કોઈ કેસ નોંધાય છે તો 21 દિવસની અંદર તપાસ પૂરી થઈ રહી નથી તો તેમાં 15 દિવસનો વધુ સમય આપવામાં આવી શકે છે. જોકે આ જિલ્લા પોલીસ અધિક્ષક કક્ષાના કોઈ વ્યક્તિને આપવો જોઈએ. દુષ્કર્મ માટે આજીવન કેદ અને દંડ કે મોતની સજા છે. સામૂહિક દુષ્કર્મના મામલે દંડ અને આજીવન કેદ અને મોતની જોગવાઈ છે. 

દુષ્કર્મના આરોપ સિવાય જો દુષ્કર્મી દ્વારા પહોંચાડવામાં આવેલી ઈજાના કારણે પીડિતાનું મૃ્ત્યુ થાય છે તો આરોપીને મૃત્યુદંડ અને દંડ આપવામાં આવશે અને જો પીડિતા કોમામાં જતી રહી તો પણ મોતની સજા અને દંડ કરવામાં આવશે. તમામ કેસ બિનજામીનપાત્ર કલમ ​​હેઠળ હશે.

માત્ર વિધાનસભાથી બિલ પાસ થવું પૂરતું નથી

કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે વિધાનસભામાં બિલ પાસ થવું પૂરતું નથી. બિલમાં કેન્દ્રીય કાયદાની અમુક જોગવાઈઓમાં સુધારાનો પ્રસ્તાવ છે. તેથી તેને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે. બંગાળ સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી દળ ને કાયદાના નિષ્ણાતો કહી રહ્યાં છે કે આવા કેસ માટે રાષ્ટ્રીય સ્તરે કાયદામાં કડક જોગવાઈ છે.

PM મોદીને બે પત્ર લખ્યા પરંતુ જવાબ આવ્યો નહીં

મમતા બેનર્જીએ કહ્યું, 'મે વડાપ્રધાનને બે પત્ર લખ્યા હતાં પરંતુ મને તેમની તરફથી કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ મને મહિલા અને બાળ વિકાસ મંત્રી તરફથી જવાબ મળ્યો. મે તેમના જવાબનો પણ જવાબ આપીને વડાપ્રધાનને અવગત કર્યાં. જ્યારે ચૂંટણી પહેલા ઉતાવળમાં ન્યાય સંહિતા બિલ પસાર કરવામાં આવ્યુ હતું ત્યારે મે કહ્યું હતું કે આને ઉતાવળમાં પસાર કરવું જોઈએ નહીં. આમાં રાજ્યોની સલાહ લેવી જોઈએ. મે ઘણી વખત તેનો વિરોધ કર્યો હતો આ વિશે રાજ્યોથી કોઈ સલાહ લેવામાં આવી નહીં. તેને રાજ્યસભા, વિપક્ષ, તમામ દળોથી ચર્ચા કરીને પસાર કરો પરંતુ આવું કર્યું નહીં. તેથી આજે અમે આ બિલ લાવી રહ્યાં છીએ. તમે યાદ રાખો જે રીતે તમે મારું અપમાન કર્યું છે અમે ક્યારેય તે રીતે વડાપ્રધાનનું અપમાન કર્યું નથી. 

આ બિલ મિસાલ બનશે, દરેક રાજ્ય અપનાવશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, 'આ બિલ નક્કી કરશે કે મહિલા શોષણ કે દુષ્કર્મ જેવા કેસમાં આકરી સજા થાય. તેમાં ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટની જોગવાઈને વધુ કડક કરવામાં આવી છે. દુષ્કર્મના દોષિતો માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તેમના કૃત્યોના પરિણામસ્વરૂપ પીડિતાનું મૃત્યુ થઈ જાય છે કે તેના મગજને ગંભીર નુકસાન થાય છે તો આ હેઠળ અપરાજિતા ટાસ્ટ ફોર્સની રચના કરવામાં આવશે. જેમાં પ્રારંભિક રિપોર્ટના 21 દિવસોની અંદર સજા આપવામાં આવશે. મે પહેલા જ આરોગ્ય સચિવને કહ્યું છે કે જે માર્ગો પર નર્સ અને મહિલા ડોક્ટર મુસાફરી કરે છે. તેને કવર કરવું જોઈએ. આ માટે મે 120 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દરેક સ્થળે સીસીટીવી લગાવવામાં આવશે. જ્યાં ટોયલેટ નથી ત્યાં તેની વ્યવસ્થા કરવામાં આવશે.

સીએમે કહ્યું, 'અમે નાઈટ શિફ્ટની નોકરી અંગે પણ જોગવાઈ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ 12 કલાક ડ્યૂટી કરશે અને જરૂર પડશે તો ડોક્ટર તેમની ડ્યૂટી વધારશે. અમે મહિલાઓની સુરક્ષા માટે આવું કર્યું છે. નાઈટ શિફ્ટમાં કામ કરનારી મહિલાઓને પૂરી સુરક્ષા આપવામાં આવશે. અમે હોસ્પિટલો, સ્કુલો, મિડ-ડે મીલ કેન્દ્રોને પણ યોગ્ય પગલાં ઉઠાવવાનું કહ્યું છે. અહીંથી આ બિલ પાસ થયા બાદ રાજ્યપાલ પાસે જશે. તેમની પાસેથી પાસ થયા બાદ રાષ્ટ્રપતિની પાસે જશે અને તેમની મંજૂરી બાદ આ ઈતિહાસ બની જશે. દરેક રાજ્ય આને મોડલ બનાવશે. વડાપ્રધાન આ ન કરી શક્યાં એટલે અમે આ કરી રહ્યાં છીએ.'

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, '43 વર્ષ પહેલા આ દિવસે 1981માં સંયુક્ત રાષ્ટ્રએ મહિલાઓના અધિકારોની રક્ષા માટે 'મહિલાઓ સામેના તમામ પ્રકારના ભેદભાવને દૂર કરવા પર સંમેલન' માટે એક સમિતિ બનાવી હતી. હું નાગરિક સમાજોથી લઈને વિદ્યાર્થીઓ સુધી તમામને અભિનંદન પાઠવું છું, જે મહિલા સુરક્ષા માટે અવાજ ઉઠાવી રહ્યાં છે.'

આ બિલ તાત્કાલિક લાગુ કરવામાં આવે

વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું, 'અમે આ કાયદાનું તાત્કાલિક અમલીકરણ કરવા ઈચ્છીએ છીએ. આ તમારી જવાબદારી છે. અમે પરિણામ ઈચ્છીએ છીએ, આ સરકારની જવાબદારી છે, અમે કોઈ વિભાજન ઈચ્છતા નથી, અમે તમારું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ, અમે મુખ્યમંત્રીનું વક્તવ્ય શાંતિથી સાંભળીશું, તે જે ઈચ્છે તે કહી શકે છે પરંતુ તમારે એ ગેરંટી આપવી પડશે કે આ બિલ તાત્કાલિક લાગુ થાય.'

ગયા મહિને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની એક મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ હતી. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે તેમની સાથે વિચાર-વિમર્શ કર્યાં વિના જ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ છે અને આ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એકતરફી નિર્ણય છે.


Google NewsGoogle News