ભારતની સંરક્ષણ ક્ષેત્રે નિકાસમાં હરણફાળ પણ સૌથી મોટા ખરીદારનું નામ જાણી તમે ચોંકી જશો
Image: X
Indias Defense Sector Exports: ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસમાં છેલ્લા 10 વર્ષોમાં 30 ગણાથી વધુનો વધારો થયો છે. રશિયા-યુક્રેન સંઘર્ષ અને ઈઝરાયલ હમાસ યુદ્ધના કારણે ઘણા દેશોએ પોતાના શસ્ત્રાગારને વધારવાનો પ્રયત્ન કર્યો છે. તેનાથી ભારતના નિકાસમાં વધારો થયો છે. ભારતનો વધતો સંરક્ષણ ઉદ્યોગ હવે વૈશ્વિક સ્તરે 90થી વધુ દેશોને પુરવઠો પૂરો પાડે છે. સરકાર પણ પ્રાઈવેટ કંપનીઓને સરળતાથી લાયસન્સ આપી રહી છે. આ સિવાય તેમના વૈશ્વિક સ્તર પર પોતાના હથિયારોની નિકાસમાં પણ પ્રોત્સાહન આપી રહી છે. દરમિયાન સવાલ ઉઠે છે કે ભારતથી સૌથી વધુ પ્રમાણમાં કયો દેશ હથિયાર ખરીદી રહ્યો છે. જોકે, જે નામ સામે આવ્યુ છે, તે સૌને ચોંકાવનારું છે.
ભારતની મહેનત રંગ લાવી
રિપોર્ટ અનુસાર ભારતથી સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશોમાં અમેરિકા ઉચ્ચ સ્થાને છે. અમેરિકા જે વિશ્વની મહાશક્તિ કહેવાય છે. આ સિવાય આફ્રિકા અને અન્ય દેશોને પણ સંરક્ષણ સાધનો અને હથિયારોનો પુરવઠો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ માટે ભારત ગરીબ દેશોને સરળતાથી લોન પણ આપી રહ્યું છે. ભારત પોતાના દેશની નિકાસને વધારવા માટે રાજદ્વારી શક્તિનો પણ ઉપયોગ કરી રહ્યું છે.
સતત નિકાસનો આંકડો વધી રહ્યો છે
સંરક્ષણ મંત્રાલયના આંકડાથી જાણ થાય છે કે 2024-2025ની પ્રથમ ક્વાર્ટરમાં નિકાસમાં 78 ટકાનો ભારે વધારો થયો છે. એપ્રિલ-જૂનમાં સંરક્ષણ નિકાસ એક વર્ષ પહેલાના સમયગાળાના 3,885 કરોડ રૂપિયાથી વધીને 6,915 કરોડ રૂપિયા થઈ ગઈ. 2023-2024માં આ રેકોર્ડ 21,083 કરોડ રૂપિયા (લગભગ 2.63 અબજ ડોલર) પર પહોંચી ગયો, જે ગત નાણાકીય વર્ષના 15,920 કરોડ રૂપિયાથી 32.5 ટકા વધું છે.
અમેરિકા સૌથી મોટું ખરીદાર બન્યું
ભારતીય સંરક્ષણ સામાનોનો સૌથી મોટો આયાતકાર અમેરિકા છે, જે ભારતના કુલ સંરક્ષણ નિકાસનો લગભગ 50 ટકા ભાગ છે. આવું મુખ્યરીતે એટલા માટે છે કેમ કે અમેરિકી કંપનીઓ હવે પોતાની વૈશ્વિક સપ્લાય ચેઇન નેટવર્કમાં અને પોતાની ઓફસેટ પ્રતિબદ્ધતાઓના ભાગ તરીકે ભારતના વાર્ષિક એક અબજ ડોલરથી વધુ મૂલ્યની સિસ્ટમ, સબસિસ્ટમ અને પાર્ટ્સ ખરીદે છે. ડિફેન્સ સેક્ટરથી જોડાયેલા એક સૂત્રએ કહ્યું, 'અમારો વિચાર છે કે ભારત ન માત્ર સંપૂર્ણ સંરક્ષણ સિસ્ટમ માટે વૈશ્વિક નિર્માણ કેન્દ્ર તરીકે ઉભરે પરંતુ મોટી કંપનીઓ માટે વૈશ્વિક પુરવઠા નેટવર્કનો ભાગ બને.' 'અમેરિકનો હોય કે ફ્રેન્ચ તેઓ હવે ભારતમાંથી ઘણી ખરીદી કરી રહ્યા છે, જે દર્શાવે છે કે સ્થાનિક ઉદ્યોગે કેટલી પ્રગતિ કરી છે.'
ભારત શું-શું વેચી રહ્યું છે
રિપોર્ટ અનુસાર ભારતના સંરક્ષણ મંત્રાલયે નિકાસ કે ખાસ દેશોની વધુ જાણકારી આપી નથી. જોકે, રિપોર્ટમાં સરકાર, ઉદ્યોગ અને રાજદ્વારી વર્તુળોના ઘણા સ્ત્રોતોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસ વ્યાપક છે. સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓના નિકાસમાં દારૂગોળો, નાના હથિયારો (સ્નાઈપર રાઈફલ્સ અને સ્પેશિયલ સાઈટ સિસ્ટમ), બુલેટપ્રૂફ જેકેટ્સ અને હેલ્મેટ, ઈલેક્ટ્રોનિક સામાન, સશસ્ત્ર વાહનો, લાઈટ ટોર્પિડોઝ, સિમ્યુલેટર, ડ્રોન અને ફાસ્ટ એટેક શિપ સામેલ છે.
કયો દેશ શું ખરીદી રહ્યો છે
મ્યાનમાર પારંપરિક રીતે ભારતીય સંરક્ષણ નિકાસ માટે એક મોટું ગંતવ્ય રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ઈઝરાયલ અને આર્મેનિયા જેવા દેશ પણ ભારતીય હથિયારોના મહત્વપૂર્ણ ખરીદદાર તરીકે ઉભર્યાં છે. ઈઝરાયલ અમુક સાઈટ સિસ્ટમ, ભારતમાં હાજર પોતાના જોઈન્ટ વેન્ચરમાં બનેલા હથિયારોની સાથે-સાથે અમુક ફ્યૂઝ અને દારૂગોળા સિવાય ડ્રોન અને તેના પાર્ટ્સની આયાત કરે છે. જ્યારે ભારતે ફિલિપાઈન્સની સાથે બ્રહ્મોસ મિસાઈલની ડીલ કરી છે અને આર્મેનિયાને આર્ટિલરી ગન સિવાય એર ડિફેન્સ સિસ્ટમના નિકાસના કરાર પર હસ્તાક્ષર કર્યાં છે.