પહલગામના દોષિતો વિરુદ્ધ એક્શન શરૂ, બે આતંકવાદીઓના ઘરમાં બ્લાસ્ટ
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં ભારતીય સેના સર્ચ ઓપરેશન માટે આતંકવાદીના ઘરે પહોંચી હતી. જોકે ઘરની અંદર વિસ્ફોટક મળી આવતા સેનાના જવાનો ત્યાંથી બહાર નીકળ્યા અને એવામાં જ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં આતંકવાદી આદિલ હુસૈન થોકર અને આસિફ શેખનું ઘર નષ્ટ થયું છે.
વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી
અહેવાલો અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને એક શંકાસ્પદ બોક્સ મળ્યું. શરૂઆતની તપાસમાં તે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) હોવાની શંકા હતી. ઘટનાસ્થળે પહોંચેલી ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ની એન્જિનિયરિંગ ટીમે તે બોમ્બ હોવાની પુષ્ટિ કરી. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો: પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની LoC પર 'નાપાક' હરકત, ભારતનો જડબાતોડ જવાબ
આસિફ શેખને પહલગામ હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા હતા. TRF દ્વારા જવાબદારી સ્વીકાર્યા પછી, સુરક્ષા દળોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની વ્યૂહરચના અપનાવીને આક્રમક કાર્યવાહી શરૂ કરી છે.