પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં નાસભાગ : એકનું મોત, 400 ઘાયલ

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં નાસભાગ : એકનું મોત, 400 ઘાયલ 1 - image


53 વર્ષ બાદ આ વખતે રથયાત્રા બે દિવસની થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશામાં રથયાત્રામાં જોડાયા, ભગવાનના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા 

પુરી: ઓડિશાના પુરી ખાતે અષાઢી બીજના દિવસે ૧૨મી સદીના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં વહેલી સવારે રથ પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા નીકળી હતી. આ વર્ષની રથયાત્રા વિશેષ છે, કારણ કે ૧૯૭૧ પછી ૫૩ વર્ષે આ યાત્રા બે દિવસની થશે. જોકે, રથયાત્રામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. ભગવાન બલરામનો રથ ખેંચતી વખતે અચાનક ભાગદોડ મચી ગઈ હતી, જેમાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું જ્યારે ૪૦૦ને ઈજા પહોંચી હતી. જોકે, મોટાભાગને સામાન્ય ઈજા થઈ છે.

ભગવાન જગન્નાથ રવિવારે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન આપવા રથમાં નગરચર્યા પર નીકળ્યા હતા.  પુરીના રાજા ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે 'પહિંદ વિધિ' કરી હતી અને પુરીના શંકરાચાર્ય સ્વામિ નિશ્ચલાનંદ સરસ્વતીએ ત્રણ રથો પર ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કર્યા પછી વહેલી સવારે ૫.૨૦ કલાકે રથોને મહાકાય દોરડાથી ખેંચીને નીજ મંદિરની બહાર લાવવાનું શરૂ થયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રણેય રથની 'પરિક્રમા' કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઓડિશાના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રતીકાત્મક રીતે રથનું દોરડું ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને ખેંચવાની પ્રક્રિયા શરૂ થયા પછી અચાનક શ્રદ્ધાળુઓમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં એક શ્રદ્ધાળુનું શ્વાસ રુંધાઈ જવાથી મોત નીપજ્યું હતું જ્યારે ૪૦૦થી વધુ ભક્તોને ઈજા પહોંચી હતી. 

પુરીમાં ભગવાન જગન્નાથના નીજ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની આ યાત્રાનું વાતાવરણ શંખ ધ્વનિ, ઘંટારવ અને 'જય જગન્નાથ'ના નાદથી ભક્તિમય બની ગયું હતું. ૪૫ ફૂટ ઊંચા વિશાળકાય રથ ખેંચવા માટે હજારો ભાવીક ભક્તો જોડાયા હતા. 


Google NewsGoogle News