જૂના કોંગ્રેસી દિગ્ગજને ભાજપે બનાવ્યાં મંત્રી, વધુ એકને મળશે ચાન્સ, મધ્ય પ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ
Image: twitter
Madhya Pradesh Cabinet Expansion: મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવની કેબિનેટનું વિસ્તરણ થયું છે. જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રામનિવાસ રાવતને આજે (આઠમી જુલાઈ) મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. બીજી તરફ છિંદવાડાના અમરવાડાથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કમલેશ શાહને મંત્રી બનાવવાની ચર્ચા છે.
રામનિવાસ રાવત દિગ્વિજય સિંહ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા
મધ્ય પ્રદેશની વિજયપુર બેઠકથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા રામનિવાસ રાવતની ગણતરી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. આ વર્ષે 30મી એપ્રિલે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2019માં મુરેનાથી લોકસભાની ચૂંટણી લડનાર રાવત મધ્ય પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ દિગ્વિજય સિંહ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: ભાજપના કેન્દ્રીયમંત્રીએ ઉદ્ઘાટન માટે પૈસા માંગ્યા! કહ્યું - 'હું સાંસદની સાથે સાથે...', જાણો નિયમ શું છે?
કેબિનેટમાં વધુ ત્રણ જગ્યાઓ ખાલી
છિંદવાડાના અમરવાડાથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કમલેશ શાહને મંત્રી બનાવવાની ચર્ચા છે. સુત્રોના જણાવ્યાનુસાર, જો તેઓ પેટાચૂંટણી જીતે છે તો વધુ એક કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. મધ્યપ્રદેશમાં કુલ 34 મંત્રીઓ હોઈ શકે છે. રામનિવાસે શપથ લીધા બાદ હવે 31 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટમાં વધુ ત્રણ જગ્યાઓ ખાલી છે.