હરિદ્વાર: જેલમાં થઈ રહી હતી રામલીલા, વાનર બનેલા 2 કેદી સીતા માતાને શોધવા ગયા પછી પાછા જ ન ફર્યાં
Image: X
Case of Prisoners Run Away in Haridwar: હરિદ્વારની રોશનબાદ જેલમાંથી બે કેદીઓના ફરાર થવાનો મામલો સામે આવ્યો છે. સમાચાર છે કે ત્યાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલના કેદીઓએ જ રામલીલામાં અલગ-અલગ પાત્રોનો રોલ નિભાવ્યો. આ દરમિયાન વાનર બનેલા બે કેદી તક ઝડપીને જેલની બાઉન્ડ્રી કૂદીને ભાગી ગયા.
એક રિપોર્ટ અનુસાર ઘટના 11 ઓક્ટોબર શુક્રવારની છે. દર વર્ષની જેમ આ વખતે પણ જેલમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યુ. જેલ તંત્રના તમામ કર્મચારી પ્રોગ્રામમાં કાર્યરત હતા. આ દરમિયાન જેલમાં હાઈ સિક્યોરિટી બેરેક બનાવવાનું કામ પણ ચાલી રહ્યું હતું. શુક્રવારે રાત્રે સીતા માતાને શોધવાના બહાને બંને કેદી દીવાલ કૂદીને ભાગી ગયા.
ફરાર થયેલા કેદીઓની ઓળખ રુડકીના રહેવાસી પંકજ અને ઉત્તર પ્રદેશમાં ગોંડાના રહેવાસી રામકુમાર તરીકે થઈ છે. પંકજ મર્ડર કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. રામકુમાર કિડનેપિંગના કેસમાં જેલમાં હતો. બંને કેદીઓ ફરાર થયા બાદ જેલ તંત્ર અને જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયુ છે. પોલીસ તેમની શોધખોળમાં લાગી ગઈ છે.
જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રાત્રે પ્રોગ્રામ ખતમ થયા બાદ કેદીઓને બેરકની અંદર મોકલવામાં આવ્યા. આ દરમિયાન ગણતરીમાં બે કેદી ઓછા નીકળ્યા. તે બાદ સમગ્ર જેલની તપાસ કરવામાં આવી. જેલના સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા પરંતુ કેદીઓની કોઈ જાણ થઈ નહીં. પછી એક કેદીએ પોલીસને જણાવ્યું કે તે બંને સીડી લગાવીને જેલથી નીકળી ગયા છે. એક અન્ય કેદીએ જણાવ્યું કે બંને છેલ્લા ઘણા દિવસોથી ભાગવાનો પ્લાન બનાવી રહ્યા હતા.
તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે ઉત્તરાખંડમાં કોરોના દરમિયાન પેરોલ પર છુટેલા ઘણા કેદી ફરાર થઈ ગયા છે. કોવિડ-19 દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ પર બનાવેલી કમિટીએ ઘણા કેદીઓને પેરોલ આપી હતી. હવે કોરોના વાયરસથી સંક્રમણનું જોખમ તો ટળી ગયુ પરંતુ પેરોલ પર છોડવામાં આવેલા કેદીઓ પાછા આવ્યા નહીં. આ મામલે હવે જેલ તંત્રની ઊંઘ ઉડી છે અને તેમણે તમામ જિલ્લાના એસએસપીને આની જાણકારી મોકલી છે. આ સિવાય તમામ જેલ સુપ્રિટેન્ડેન્ટને પણ આ મામલે બોલાવવામાં આવ્યા છે.