રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાએ કરોડો લોકોને એક તાંતણે બાંધ્યા : મોદી
- ભગવાન રામ બંધારણના ઘડવૈયાઓના પ્રેરણા સ્રોત બન્યા : વડાપ્રધાન
- કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસે મહિલા શક્તિ જોઈને લોકો આશ્ચર્યચકિત થયા : પદ્મ એવોર્ડ ખરા અર્થમાં લોક એવોર્ડ બન્યા
- બંધારણના પાના પર સીતા અને લક્ષ્મણની પણ તસવીરો
નવી દિલ્હી : ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ લલ્લાની શ્યામવર્ણી પ્રતીમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન રામ બંધારણના ઘડવૈયાઓની પ્રેરણાનો પણ સ્રોત રહ્યા હતા અને માતા સીતા તથા લક્ષ્મણની તસવીર આ જ કારણોથી બંધારણના પાનાઓ પર કોતરવામાં આવી છે. આ વર્ષે બંધારણના અને સુપ્રીમ કોર્ટના પણ ૭૫ વર્ષ પૂરા થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આ વર્ષે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત મારફત પહેલી વખત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સમગ્ર દેશમાં કરોડો લોકોને એક સાથે લાવ્યો છે અને તેણે દેશની સંયુક્ત તાકત દર્શાવી છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ... દેશના અનેક લોકોએ આ સમયે રામ ભજન ગાઈને પોતાને શ્રીરામના ચરણોમાં સમર્પિત કર્યા હતા. આ જ કારણથી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં મેં 'દેવથી દેશ' અને 'રામથી રાષ્ટ્ર'ની વાત કરી હતી.
દુનિયામાં અનેક દેશોમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો થઈ રહ્યો છે તેવા સમયે ભારતમાં મતદાનમાં લોકોની ભાગીદારી વધી રહી છે તે પ્રશંસનીય છે. આયુર્વેદ, સિદ્ધા અથવા યુનાની જેવી પરંપરાગત સારવાર પદ્ધતિમાં બીમારીઓની સમાન વ્યાખ્યા શક્ય નહોતી પરંતુ આયુષ મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંસ્થાની મદદથી આ કામ પૂરું પાડયું છે. તેનો એક લાભ એ થશે કે દર્દી તેનું પ્રિસ્ક્રિપ્શન લઈને અન્ય ડૉક્ટર પાસે જશે તો તેને પણ સંપૂર્ણ માહિતી મળશે અને તે સરળતાથી સારવાર કરી શકશે.
આ વખતે ૨૬ જાન્યુઆરીની પરેડ ખૂબ જ અદ્ભૂત રહી હતી, પરંતુ સૌથી વધુ ચર્ચા પરેડમાં મહિલા શક્તિને જોઈને થઈ. કર્તવ્ય પથ પર કેન્દ્રીય સુરક્ષા દળો અને દિલ્હી પોલીસની મહિલા ટુકડીઓએ કદમતાલ શરૂ કર્યા તો બધા જ લોકોએ ગૌરવ અનુભવ્યું. આ વખતે ૧૩ મહિલા એથ્લીટ્સને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાઈ છે. આ મહિલા એથ્લીટ્સે અનેક ટુર્નામેન્ટોમાં ભાગ લીધો અને ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો.
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ પદ્મ પુરસ્કારોની જાહેરાત પણ કરી હતી, જેમાં એવા લોકોને પદ્મ સન્માન અપાઈ રહ્યું છે, જેમણે જમીન પર રહીને સમાજમાં મોટા મોટા પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.
આ લોકો મીડિયાથી દૂર કોઈપણ લાઈમલાઈટ વિના સમાજ સેવા કરી રહ્યા છે. મને આનંદ છે કે પદ્મ સન્માન જાહેર થયા પછી એવા લોકોની દરેક બાજુ ચર્ચા થઈ રહી છે. પદ્મ એવોર્ડ હવે ખરા અર્થમાં લોકોના એવોર્ડની સિસ્ટમ બની છે.