રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભાજપ ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટનું હતું પ્લાનિંગ: NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ
Rameshwaram Cafe Blast Case : રાષ્ટ્રીય તપાસ એજન્સીએ બેંગલુરુના હાઈપ્રોફાઈલ રામેશ્વર કૈફે બ્લાસ્ટ કેસમાં આજે ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચાર્જશીટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભાજપ ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના કાવતારનો પણ ખુલાસો કરાયો છે. આ કેસના આરોપીઓમાં મુસાવીર હુસૈન શાજીબ, અબ્દુલ મથીન અહેમદ તાહા, માજ મુનીર અહેમદ અને મુઝમ્મિલ શરીફનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી, યુએ(પી) એક્ટ, એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ અને PDLP એક્ટની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આતંકવાદીઓના નિશાને કૈફૈ નહીં પણ ભાજપ કાર્યાલય હતું
મળતા અહેવાલો મુજબ બ્લાસ્ટ કેસમાં સામેલ ચાર આરોપીઓ વિરુદ્ધ જે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે, તેમાં ભાજપની ઓફિસ પર બોંબ બ્લાસ્ટના ષડયંત્રનો પણ ખુલાસો થયો છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે, જે દિવસે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં સમારોહ યોજાયો હતો, તે જ દિવસે ISISના સાઉથ મોડ્યુલે બેંગલુરના મલ્લેસ્વર સ્થિત ભાજપ ઓફિસ પર આઈડી હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું.
ભાજપની ઓફિસ પર બ્લાસ્ટનું ષડયંત્ર નિષ્ફળ જતા કૈફેમાં બ્લાસ્ટ કર્યો
આ ષડયંત્ર પાછળ આઈએસઆઈએસ અલ હિંદ મોડ્યૂલના પ્રમુખ સુત્રધાર છે અને તે વિદેશમાંથી આતંકવાદી મહબૂબ પાશા કોડ નેમથી માસ્ટરમાઈન્ડને હુમલાનો આદેશ આપી રહ્યો હતો. જોકે આ કારસ્તાન નિષ્ફળ જતા છેવટે તેઓએ કૈફેમાં બ્લાસ્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની પહેલી માર્ચે બેંગલુરુના બ્રુકફીલ્ડમાં આવેલી રામેશ્વર કૈફેમાં આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, આખી હોટલને નુકસાન થયું હતું.