'હું કોઈ પદનો દાવેદાર નથી', મુખ્યમંત્રી ચહેરો હોવાના AAPના દાવાને રમેશ બિધૂડીએ ફગાવ્યો
Delhi Elections: દિલ્હી ભાજપ નેતા રમેશ બિધૂડીએ રવિવારે (12 જાન્યુઆરી, 2025)એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના એ દાવાને ફગાવ્યો કે તેઓ(રમેશ બિધૂડી) આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. બિધૂડીએ આ દાવાને સંપૂર્ણ રીતે નિરાધાર ગણાવ્યો અને એક સમર્પિત પાર્ટી કાર્યકર્તા તરીકે જનતાની સેવા કરવા પર ભાર આપ્યો.
'હું કોઈ પદ પર દાવો નથી કરતો'
રવિવારે જાહેર એક પત્રમાં બિધૂડીએ મુખ્યમંત્રી પદ માટે કોઈ પણ વ્યક્તિગત ઈચ્છા હોવાનો ઇનકાર કર્યો. તેમણે અફવાને આમ આદમી પાર્ટી દ્વારા જાણીજોઈને ચલાવવામાં આવતું અભિયાન ગણાવ્યું. બિધૂડીએ પત્રમાં લખ્યું કે, 'હું કોઈ પદ પર કોઈ દાવો નથી કરતો. મુખ્યમંત્રી પદ માટે મારા અંગે વાત કરવી સંપૂર્ણ રીતે પાયાવિહોણી છે.'
આ પણ વાંચો: '...તો હું ચૂંટણી નહીં લડું', દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે ભાજપને આપી 2 ચેલેન્જ
પત્રમાં વધુમાં કહ્યું કે, પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે અને મારો કોઈ પદ પર કોઈ દાવો નથી. અરવિંદ કેજરીવાલ મને લઈને સતત ભ્રામક પ્રચાર અભિયાન ચલાવી ર્હયા છે. હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે હું કોઈ પદનો દાવેદાર નથી. હું જનતાની સેવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છું.
'કેજરીવાલે હાર માની'
બિધૂડીએ કહ્યું કે, AAPએ તેમને મુખ્યમંત્રીના દાવેદાર ગણાવીને અપ્રત્યક્ષ રીતે માની લીધું છે કે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. રમેશ બિધૂડીએ કહ્યું કે, મારા અંગે જાહેરાત કરીને અરવિંદ કેજરીવાલે અપ્રત્યક્ષ રીતે સ્વીકાર કરી લીધો છે કે દિલ્હીમાં ભાજપ સરકાર બનાવી રહી છે અને તેમણે હાર માની લીધી છે. કારણ કે એ સ્પષ્ટ છે કે દિલ્હીના લોકો તેમનાથી વધુ અસંતુષ્ટ છે.