'રમેશ બિધૂડીના ભત્રીજાએ 'AAP'ના કાર્યકરો સાથે મારપીટ કરી', CM આતિશીએ નોંધાવી ફરિયાદ
Delhi Assembly Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આક્રમક અને વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરનારા રમેશ બિધૂડીના ભત્રીજાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મારપીટ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપ ઉમેદવાર રમેશ બિધૂડીના ભત્રીજા પર આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડરાવવા-ધમકાવવા, મારપીટ કરવા અને હુમલો કરવાનો આરોપ મૂક્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપ ઉમેદવાર રમેશ બિધૂડીના ભત્રીજા રિષભ બિધૂડી પર કાલકાજી મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડરાવવા-ધમકાવવા, મારપીટ કરવા અને હુમલો કરવાનો આરોપ મૂક્યો છે. આતિશીએ ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દે ફરિયાદ કરી છે. તેમણે પંચને કાલકાજીમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત કરવાની માગ કરી છે. ચૂંટણી પંચના એક અધિકારીને પત્ર લખી આતિશીએ જણાવ્યું છે કે, કાલકાજી મત વિસ્તારમાં બિધૂડીના ભત્રીજાની ગુંડાગર્દી વધી છે. તે ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભાજપ નેતના ભત્રીજાએ આપના કાર્યકરોને ધમકી આપી છે કે, ઘરમાં બેસો, નહીં તો હાથ-પગ તોડી નાખીશું, આ અમારી ચૂંટણી છે.
પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત કરવાની માગ
મુખ્યમંત્રી આતિશીએ ચૂંટણી પંચ સમક્ષ મતદાતાઓ અને પાર્ટીના કાર્યકરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કાલકાજીમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત કરવાની માગ કરવામાં આવી છે. આતિશીના આ આરોપો પર રમેશ બિધૂડી તથા ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. દિલ્હીના કાલકાજી વિધાનસભા બેઠકમાંથી ભાજપના રમેશ બિધૂડી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી આ બેઠક પરથી મુખ્યમંત્રી આતિશીએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ બેઠક પર અલકા લાંબાને ચૂંટણી મેદાનમાં ઉતારી છે.
પાંચ ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી
દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર આગામી પાંચ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. આઠ ફેબ્રુઆરીએ પરિણામો જાહેર થશે. 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 'આપ' 70માંથી 62 બેઠકો પર વિજયી થઈ હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. 2015માં પણ 67 બેઠકો સાથે આમ આદમી પાર્ટી જીતી હતી. ત્યારે ભાજપને ત્રણ બેઠકો મળી હતી. કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીમાં ખાતુ ખોલાવી શકી ન હતી.
રમેશ બિધૂડી પણ વિવાદોમાં
ભાજપના દિગ્ગજ નેતા રમેશ બિધૂડી પોતાના આક્રમક નિવેદનોના કારણે અવારનવાર વિવાદોમાં રહે છે. હાલમાં જ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને મુખ્યમંત્રી આતિશી વિરૂદ્ધ અપમાનજનક ટીપ્પણીઓ કરતાં વિવાદોમાં મૂકાયા હતા. ચૂંટણી પંચે પણ બિધૂડી વિરૂદ્ધ વિરોધ નોંધાવી દિલ્હીની જનતાને તેનો જવાબ આપવા અપીલ કરી હતી.