અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શ્રદ્ધાળુઓ અને ભક્તોના દાનથી થઈ રહ્યું છે : યોગી
- રામમંદિર માટે કેન્દ્ર કે રાજ્ય સરકાર ફક્ત મંદિરને જોડતી સગવડો વિકસાવી રહી છે
- નવનિર્મિત રામમંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામલલાના વિગ્રહની સ્થાપના કરવામાં આવી છે
- મંદિર પૂરુ થયા પછી દાનનો પ્રવાહ અનેકગણો વધશે
- રામ મંદિર દર્શાવતી ટિકિટો અને પુસ્તિકાનું મોદીના હસ્તે અનાવરણ
લખનઉ : અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે કેન્દ્ર કે રાજ્ય સરકારે એક રુપિયો ય આપ્યો નથી, આ શબ્દો છે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગીના. રામમંદિરનું નિર્માણ રામભક્તોએ આપેલા ભંડોળથી થઈ રહ્યુ છે. આ ભંડોળ ફક્ત ભારત જ નહી સમગ્ર વિશ્વમાંથી આપવામાં આવ્યું છે. આના પરથી ભગવાન રામ પ્રત્યે લોકોની કેટલી શ્રદ્ધા અને ભક્તિ છે તે જોવા મળે છે.
તેમણે જણાવ્યું હતું કે રામમંદિર માટે રામસેવકોએ બલિદાન આપ્યું. તેના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ માર્ગદર્શન આપ્યું, વિશ્વ હિંદુ પરિષદનું નેતૃત્વ હતુ અને પૂજ્ય સંતોના આશીર્વાદ હતા. આ આંદોલનના પરિણામે નીપજેલા રામમંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે રામમંદિરની બહારના ઇન્ફ્રાસ્ટ્રકચર જેવા કે રેલ્વે સ્ટેશનનું કામ, એરપોર્ટનું નિર્માણ, ગેસ્ટ હાઉસ બનાવવાનું કામ, ક્રૂઝ સેવા, રસ્તા પહોળા કરવાનું કામ, પાર્કિંગની સગવડ બધુ સરકારની પોલિસી હેઠળ થઈ રહ્યું છે.
અયોધ્યા જઈને શ્રીરામ લલાના દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની સાથે મંદિરમાં અપાતું દાન પણ વધી રહ્યું છે. શ્રદ્ધાળુઓ ખુલ્લા હૃદયે દાન કરી રહ્યા છે. રોજના ત્રણથી ચાર લાખની સાથે માસિક ધોરણે દાન દોઢ કરોડ પર પહોંચી ગયુ છે. આ બધુ હજી મંદિર બન્યા પછીનું છે અને મંદિર બન્યા પછી હજી તેમા પણ અનેકગણો વધારો થઈ શકે છે.
માનવામાં આવે છે કે ૨૨મી જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી લાખો લોકો ત્યાં જશે. હાલમાં રામલલાના અસ્થાયી મંદિરમાં પણ દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે. આ ઉપરાંત ઓનલાઇન દાન વધી રહ્યુ છે. અનેક દાન તો હજી ગણી પણ શકાયું નથી.
અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન જારી છે. ૨૨મી જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા પછી એક-એક કરીને શાસ્ત્રોક્ત વિધિઓથી પૂજાપાઠ કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં ગુરુવારે નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં શ્રીરામ લલાના વિગ્રહની સ્થાપના કરવામાં આવી છે. ગુરુવારે સાંજે આ શુભકાર્ય કરવામાં આવ્યું. પ્રાણપ્રતિષ્ઠા પછી પાવનવિગ્રહના દર્શન માટે જઈ શકાશે. ગુરુવારે ભગવાન રામના વિગ્રહને ગર્ભગૃહના આસન પર રાખવામાં આવ્યા છે. રામલલાની મૂર્તિને આસન પર સ્થાપિત કરવામાં ચાર કલાકથી વધુ સમય લાગ્યો. મંત્રોચ્ચાર વિધિ કરીને પૂજનવિધિ સાથે ભગવાન રામના આ વિગ્રહને આસન પર સ્થાપિત કરવામાં આવ્યો. ગુરુવારે રામલલાની પ્રતિમાને ગર્ભગૃહમાં સ્થાપવામાં આવી અને હવે સંપૂર્ણપણે ઢંકાયેલી રામલલાની પ્રતિમા આસન પર બિરાજમાન કરવામાં આવી છે.