Photo: અંતરિક્ષમાંથી કેવું દેખાય છે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર? ISROએ શેર કરી નયનરમ્ય તસવીરો
ઈસરોએ સ્વદેશી સેટેલાઈટની મદદથી આ તસવીરો ક્લિક કરી છે
Ram Mandir Satelite Images : અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિર (Ram temple)ની ઝલક બતાવી છે. ઈસરોએ પોતાના સ્વદેશી સેટેલાઈટની મદદથી (indigenous satellites) આ તસવીરો લીધી છે.
ઈસરોની તસવીરોમાં ભવ્ય રામ મંદિરને જોઈ શકાય છે
ઈન્ડિયન રિમોટ સેન્સિંગ સીરિઝ સેટેલાઈટ (Remote Sensing Series satellite) દ્વારા લેવામાં આવેલી આ તસવીરોમાં 2.7 એકરમાં ફેલાયેલા ભવ્ય રામ મંદિરને જોઈ શકાય છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની આ તસવીરો 2023માં 16 ડિસેમ્બરે લેવામાં આવી હતી, જો કે ત્યારથી અયોધ્યામાં ગાઢ ધુમ્મસને કારણે સ્પષ્ટ તસવીરો લેવી મુશ્કેલ બની ગઈ હતી. આ સેટેલાઇટ તસવીરોમાં દશરથ મહેલ અને સરયૂ નદી સ્પષ્ટપણે જોઈ શકાય છે તેમજ અયોધ્યાનું રેલવે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે.
ભારત પાસે હાલમાં અવકાશમાં 50થી વધુ સેટેલાઈટ છે
ભારત પાસે હાલમાં અવકાશ (space)માં 50થી વધુ સેટેલાઈટ છે, અને તેમાંથી કેટલાકનું રિઝોલ્યુશન એક મીટરથી પણ ઓછું છે. આ તસવીરો ઈન્ડિયન સ્પેસ એજન્સીના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા પ્રોસેસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરના નિર્માણના કેટલાક તબક્કામાં ઈસરોની ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભવ્ય મંદિરના નિર્માણમાં એક મોટો પડકાર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા માટે ચોક્કસ સ્થાનની ઓળખ કરવાનો હતો. મંદિરના નિર્માણની જવાબદારી જે ટ્રસ્ટને સોંપવામાં આવી હતી તેઓની ઈચ્છા હતી કે મૂર્તિને ગર્ભગૃહની અંદર 3X6 ફૂટની જગ્યામાં રાખવામાં આવે, જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.
કંપનીના કોન્ટ્રાકટરોએ GPS આધારિત કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યો
આ કાર્ય જેટલું બોલવામાં સરળ હતું તેટલું જ કરવામાં મુશ્કેલ હતું કારણકે મંદિરનું નિર્મામ તેના વિધ્વંસના લગભગ ત્રણ દાયકા બાદ શરૂ થયું હતું. એવામાં ફરીવાર સ્પેસ ટેક્નોલોજી કામ લાગી હતી. ગર્ભગૃહની અંદર આ ચોક્કસ સ્થાનને ઓળખવા માટે, બાંધકામ કંપનીના કોન્ટ્રાક્ટરોએ સૌથી અત્યાધુનિક ડિફરન્સિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) આધારિત કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યો. આ માટે લગભગ 1-3 સેમીના ચોક્કસ કોઓર્ડિનેટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેનાથી મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના માટેનો આધાર બન્યો હતો.