બ્રહ્મચર્યનું પાલન કરવું, મૌન રહેવું... જાણો એવા ક્યાં નિયમોનું પાલન રામ મંદિરના યજમાનને કરવું પડશે
Ram Mandir Inauguration: વૈદિક પરંપરા મુજબ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. જેમાં 84 સેકન્ડના બ્રહ્મમુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય યજમાને આ મહોત્સવના 8 દિવસ દરમ્યાન 45 નિયમોનું પાલન કરવાનું રહેશે. ધાર્મિક વિધિમાં બેસતા દંપતીને 15મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી આ નિયમોનું સખતપણે પાલન કરવાનું રહેશે.
આ નિયમોની યજમાન દંપતીએ કરવું પડશે પાલન
- દરરોજ સ્નાન કરવું પડશે. ફળાહાર કરીને માત્ર રાત્રે એક જ ટાઇમ ભોજન લેવાનું. તેમજ બહારનું કે જંક ફૂડ બિલકુલ ન ખાઓ. દારૂ, બીડી કે સિગરેટ જેવા વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બોટલ્ડ પાણી અને બરફ પર પણ પ્રતિબંધ છે.
- લડવું, ગુસ્સો કરવો, કઠોર શબ્દો બોલવા પર પ્રતિબંધ મુકીને માનસિક શાંતિ જાળવવાની રહેશે. આ ઉપરાંત મૌન વ્રતનું પણ પાલન કરવાનું રહેશે. હંમેશા સાચું બોલવું ,જયારે એવી પરિસ્થિતિ આવે કે ખોટું બોલવું પડે તો ત્યારે મૌન રહેવું.
- દરરોજ બ્રાહ્મણોની સેવા કરવાની રહેશે. તેમને જમાડીને જ જમવાનું રહેશે. રામ નામનો જાપ કરવો પડશે અને રાત્રે સાત્વિક ભોજન લેવું પડશે. જેમાં મીઠું નહિ પણ સિંધાલૂણ ખાવાનું રહેશે.
- તેલથી બનેલી વસ્તુઓ, ગોળ, નમકીન, ચોખા, ઈંડા, માંસાહારી, ડુંગળી, લસણ, મૂળો, રીંગણ, હળદર, સરસવ અને અડદની દાળમાંથી બનેલી વસ્તુઓ ખાવા પર મનાઈ છે.
- ભગવાનને ભોગ લગાવ્યા પછી જ ફળાહાર કે ભોજન કરી શકાય છે.
- પુરુષોને સીવેલા અને સુતરાઉ કપડાં પહેરવાની મનાઈ છે. મહિલા લહેંગા-ચોલી પહેરશે. સુતરાઉ કપડાં પણ પહેરી શકે છે. વૂલન સ્વેટર અને ધાબળો ઓઢી શકાશે.
- દિવસ દરમિયાન સૂવા પર મનાઈ ફરમાવવામાં આવી છે અને રાત્રે લાકડાની ચૌકી પર સુવાનું રહેશે. ખાટલા પર બેસવાની અને સૂવાની મનાઈ છે. દિવસનું કામ પૂરું કરતાં પહેલાં પથારી પર બેસવાની મનાઈ છે. દરરોજ હજામત કરવી પડશે . નખ કાપેલા રાખવા પડશે.