'દેશમાં કોઈ રામ લહેર નથી, આ તો PM મોદીનો કાર્યક્રમ', પ્રાણ પ્રતિષ્ઠાના એક જ દિવસ પછી રાહુલ ગાંધીનું નિવેદન
હિમંતા બિસ્વા સરમાને દેશના સૌથી 'કરપ્ટ' મુખ્યમંત્રી પણ ગણાવ્યા
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો. અહીં ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થયા. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતું પરંતુ તેમણે આ આમંત્રણ ઠુકરાવી દીધુ હતું. ત્યારે હવે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ રાહુલ ગાંધીએ આસામના ગુવાહાટીમાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘દેશમાં કોઈ રામ લહેર નથી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો.’
હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધ્યું
બીજી તરફ, આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા સામે એફઆઈઆર મુદ્દે રાહુલ ગાંધીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધ્યુ હતું. આ સાથે જ તેમણે ફરી એક વખત હિમંતા બિસ્વા સરમાને દેશના સૌથી 'કરપ્ટ' સીએમ ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમારી યાત્રામાં કોઈ જ વિરોધ પ્રદર્શન નથી થયું. ભાજપના લોકો મારી તરફ હાથ બતાવી રહ્યા હતા અને હું તેમને ફ્લાઈંગ કિસ આપતો હતો. અમારી ન્યાય યાત્રાને રોકીને આસામના મુખ્યમંત્રી એક રીતે અમારી મદદ કરી રહ્યા છે.’
આ કારણસર ભાજપ કરી રહી છે વિરોધ
આ દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, અંતે ભાજપ તેમની યાત્રાનો વિરોધ કેમ કરશે? તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અમે ગઈ વખતે યાત્રા કરી હતી ત્યારે ભાજપ કહેતો કે આ યાત્રાની ચૂંટણીમાં કોઈ અસર નહીં થાય, પરંતુ કન્યાકુમારી પહોંચતા સુધીમાં આ યાત્રાએ સફળતાનો કીર્તિમાન રચ્યો હતો. તેથી આ વખતે શરૂઆતથી જ યાત્રાને ડિસ્ટર્બ કરવામાં આવી રહી છે. જો કે આ વિરોધની કોઈ અસર થવાની નથી. અમને કોલેજ જતા અટકાવવામાં આવ્યા, કોલેજના લોકો બહાર આવી ગયા. મેં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ લોકો બજરંગ દળની યાત્રા નથી રોકતા પરંતુ અમારી યાત્રા રોકી રહ્યા છે.’