'હે રામ! ડૉક્ટરો પણ ભગવાન રામના સ્વાગતમાં વ્યસ્ત રહેશે..' AIIMSમાં 'હાફ ડે' પર શિવસેના નેતાનો કટાક્ષ
દિલ્હીની તમામ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલો 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે
Ram Mandir Inauguration: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે દિલ્હી AIIMSમાં પણ અડધો દિવસની રજા જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર AIIMS, સફદરજંગ હોસ્પિટલ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ સહિત દિલ્હીની તમામ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલો 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર આ આદેશની આકરી ટીકા કરી હતી. જેના પર હવે લોકોની પ્રતિક્રિયા પણ આવી રહી છે.
AIIMSમાં રહેશે અડધો દિવસની રજા
ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતાએ લખ્યું કે હેલ્લો હ્યુમન્સ, કૃપા કરી 22 જાન્યુઆરીએ કોઈપણ પ્રકારની મેડકિલ ઈમરજન્સી હોય તો AIIMS ન જતાં. બપોરના 2 વાગ્યે મર્યાદા પુરુષોત્તમ રામના સ્વાગતમાં AIIMS વ્યસ્ત રહેશે. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર એ આદેશ પણ પોસ્ટ કર્યો હતો જેમાં હોસ્પિટલમાં અડધા દિવસ માટેની સૂચના અપાઈ છે. તેમણે કહ્યું કે સરકારનો આ નિર્ણય ખોટો છે. આ મોટી હોસ્પિટલોમાં દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવે છે. આ આદેશથી તે દર્દીઓ અને તેમના સંબંધીઓને મુશ્કેલી પડશે.
ઇમરજન્સી સેવા ચાલુ રહેશે
શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીની આ ટ્વિટર પોસ્ટ પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ તેમને ટેકો આપ્યો હતો, તો કેટલાક લોકોએ કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. માહિતી અનુસાર કેન્દ્ર સરકારના આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એઈમ્સ અને અન્ય હોસ્પિટલોની તમામ મહત્વપૂર્ણ અને ઈમરજન્સી સેવાઓ અડધા દિવસની રજા દરમિયાન કાર્યરત રહેશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 7000થી વધુ વિશેષ મહેમાનો ભાગ લેશે.