પીઓકેની નદીઓથી પણ થશે રામલલાનો જળાભિષેક, પાકિસ્તાનમાં પણ ચાલી રહી છે પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી

પીઓકે શારદા સમિતિએ જળાભિષેક માટે પીઓકેની નદીઓનું જળ મોકલ્યું, માટી પણ આવી ચૂકી છે

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
પીઓકેની નદીઓથી પણ થશે રામલલાનો જળાભિષેક, પાકિસ્તાનમાં પણ ચાલી રહી છે પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી 1 - image

નવી દિલ્હી, તા.02 જાન્યુઆરી-2024, મંગળવાર

Ayodhya Ram Mandir Celebrations In Pakistan : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય સમારોહ યોજવા હાલ પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. મંદિર નિર્માણ, પૂજા સામગ્રીની તૈયારીઓમાં માત્ર દેશ જ નહીં, પરંતુ વિશ્વભરના જુદા જુદા દેશો પણ નાનુ-મોટું યોગદાન આપી રહ્યા છે. સેવ પીઓકે શારદા સમિતિએ ત્યાંની નદીઓની જળ એકત્ર કરીને શ્રી રામના જળાભિષેક માટે અયોધ્યા મોકલ્યું છે. આ સમિતિના પ્રમુખ રવિન્દ્ર પંડિતે કહ્યું કે, ભગવાન રામ મંદિરનો ઉત્સાહ દેશમાં ઉપરાંત પીઓકે સહિત પાકિસ્તાન (Pakistan)ના હિન્દુઓમાં છે. આ જ કારણે પીઓકેની સિવિલ સોસાયટીએ રામ મંદિરના શિલાન્યાસ માટે ત્યાંની માટી મોકલી હતી.

કાશ્મીરી પંડિતોમાં પણ અયોધ્યા રામ મંદિરનો ઉત્સાહ

શારદા સમિતિના પ્રમુખ રવિન્દ્ર પંડિતે કહ્યું કે, ‘પ્રભુ રામના જળાભિષેક માટે અયોધ્યામાં શારદા પીઠના સંગમની નદીઓનું પાણી મોકલાયું છે. શારદા પીઠ પીઓકેમાં આવેલું છે અને ત્યાંની સિંધુ, રાવી અને તવી સહિત ઘણી નદીઓનું જળ ભગવાન રામના જળાભિષેક માટે મંગાવાયું હતું. સાડા પાંચસો વર્ષ બાદ પ્રભુ રામનું સ્વાગત થઈ રહ્યું છે. તેનો ઉત્સાહ કાશ્મીર સહિત દેશભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કાશ્મીરી પંડિતો માટે મહત્ત્વનું શ્રદ્ધા સ્થળ શારદા પીઠ કેવી રીતે પાછળ રહી શકે.’ સેવ શારદા પીઠે માત્ર જળ જ નહીં, પીઓકેની માટી પણ શિલાન્યાસ માટે મોકલી હતી.

પાકિસ્તાનના હિંદુઓમાં પણ રામ મંદિરનો ઉત્સાહ

રવિન્દ્ર પંડિતે કહ્યું કે, ‘પાકિસ્તાનના હિંદુઓમાં પણ અયોધ્યા રામ મંદિરનો ઉત્સાહ છે. પીઓકેની સિવિલ સોસાયટીના અહેવાલ મુજબ પાકિસ્તાનના લઘુમતિ હિન્દુઓ પણ અયોધ્યા મંદિરના ઉત્સાહમાં પૂજા-પાઠની તૈયારી કરી રહ્યા છે. કાશ્મીરના મંદિરોમાં 14 જાન્યુઆરીથી સફાઈ અને શ્રીરામ જ્યોતિની તૈયારી શરૂ કરાશે. હાલ જમ્મુના ઘણાં મંદિરોમાં યાત્રા યોજાઈ છે. કાશ્મીરના અસંખ્ય રામભક્તોએ અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવાની યોજના બનાવી છે. આ આમંત્રણ બાદ કેટલાક લોકો 22 જાન્યુઆરીએ અયોધ્યા જઈ રહ્યા છે.’


Google NewsGoogle News