‘પહેલા ધર્મની પરિભાષા શીખો, પછી બોલો’ પ્રાણપ્રતિષ્ઠા અંગે VHPનો કોંગ્રેસને જવાબ
રામમંદિર સમારોહ, ભાજપ, આરએસએસ પર કોંગ્રેસના નિવેદન બાદ
Ayodhya Ram Mandir Pran Pratishtha : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના પ્રાણપ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેનો દેશભરમાં પણ ઉત્સાહ જોવી રહ્યો છે. જોકે રામ મંદિર સમારોહ અંગે રાજકીય નેતાઓ પણ સામસામે શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસે સમારોહ BJP અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો કાર્યક્રમ હોવાનું કહી તેમાં જવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ પ્રાણપ્રતિષ્ઠા અંગે પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટી સમારોહને રાજકીય મુદ્દો બનાવી રહી છે. ભાજપ ધર્મનો દુરુપયોગ કરી રહી છે.’ કોંગ્રેસના આ નિવેદન બાદ વિશ્વ હિન્દુ પરિષદે જવાબ આપ્યો છે.
કોંગ્રેસ નેતાએ ધર્મની પરીભાષા શીખવાની જરૂર : VHP નેતા
કોંગ્રેસ (Congress) સાંસદ જયરામ રમેશ (Jairam Ramesh)ના નિવેદન અંગે વીએચપી નેતા વિજય શંકર તિવારીએ ગુરુવારે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘જયરામ રમેશે ધર્મની પરીભાષા શીખવાની જરૂર છે. તેઓ પહેલા ધર્મની પરીભાષા શીખી લે, પછી બોલે. એવું કહેવાય છે કે, વ્યક્તિએ ધર્મની રક્ષા કરવી જોઈએ અને ધર્મ જ તેમની રક્ષા કરશે. તેઓ ધર્મનો અર્થ જાણતા નથી. જો તેમને સમજાયું હોત તો તેઓ આવા નિવેદનો કરતા ન હોત.’
જયરામ રમેશે શું કહ્યું હતું?
કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે કહ્યું હતું કે, ‘22 જાન્યુઆરીએ યોજાનારો કાર્યક્રમ એક રાજકીય કાર્યક્રમ છે. આ ભાજપ અને આરએસએસનો રાજકીય પ્રોજેક્ટ છે. આ ધર્મનો દુરુપયોગ છે. તમામ પરિવારો પાસે એક મંદિર છે. મારી પાસે પણ છે તેઓ (ભાજપ) ભગવાન રામનું રાજનીતિકરણ કરી રહ્યા છે. ’
આ નેતાઓનો અયોધ્યા સમારોહમાં સામેલ થવાનો ઈન્કાર
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. જોકે તેમાં કોંગ્રેસ, TMC, CPM જેવા કેટલાક પક્ષોએ સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ પણ સમારોહથી દૂર રહ્યા છે. એનસીપી નેતા સરદ પવારનું કહેવું છે કે, 22 જાન્યુઆરી બાદ જ્યારે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ જશે તો હું અયોધ્યા જઈશ.