હવે પોસ્ટર દ્વારા ભાજપના વિપક્ષ પર પ્રહાર, સોનિયા-મમતા સહિતના નેતાઓ વિશે ટિપ્પણી
ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં જવાનો ઈન્કાર કરતા ભાજપે આકરા પ્રહારો બાદ પોસ્ટર રિલિઝ કર્યું
Ayodhya Ram Mandir Inauguration : કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance)ના નેતાઓએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં જવાનો ઈન્કાર કરતા ભાજપ આકરા પ્રહારો શરૂ કર્યા બાદ આજે પોસ્ટર રિલિઝ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના નેતાઓ સમારોહમાં જવાનો ઈન્કાર કરી દીધો છે.
ભાજપે ‘ઈન્ડિયા’ ગઠબંધનના નેતાઓ સાથેનું પોસ્ટ રિલિઝ કર્યું
ભાજપના પોસ્ટરમાં મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), સોનિયા ગાંધી (Sonia Gandhi), અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury), મમતા બેનર્જી (Mamata Banerjee), સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને સીપીઆઈ (એમ) નેતા સીતારામ યેચુરી (Sitaram Yechury)નો ફોટો છે. પોસ્ટરમાં એવું પણ લખાયું છે કે, ‘ઓળખો રામ મંદિર આમંત્રણનો ઈન્કાર કરનારા ચહેરાઓ, સનાતન વિરોધી ઈંડી ગઠબંધન.’
કોંગ્રેસે આમંત્રણ અંગે શું કહ્યું ?
કોંગ્રેસે બુધવારે 10 જાન્યુઆરીએ કહ્યું કે, ‘રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં ખડગે, સોનિયા, અધીર રંજન સામેલ નહીં થાય, કારણ કે આ ભાજપ અને આરએસએસનું આયોજન છે. ચૂંટણી લાભ માટે અર્ધનિર્મિત મંદિરનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે.’
મમતા બેનર્જીએ શું કહ્યું ?
સૂત્રોને ટાંકીને એવા મીડિયા અહેવાલો સામે આવ્યા હતા કે, મમતા બેનર્જીએ સમારોહમાં નહીં જાય. તેમણે પણ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, તે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી સમારોહ દ્વારા નાટક કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાના છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સહિત હાજારો લોકોને આમંત્રણ પાઠવાયું છે.