Ram Mandir: ગર્ભગૃહમાં જતા જ બદલાઈ ગઈ રામલલાની મૂર્તિ, યોગીરાજ પણ દંગ રહી ગયા
- મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ ભગવાનનું સ્વરૂપ એકદમ બદલાઈ ગયું: યોગીરાજ
અયોધ્યા, તા. 25 જાન્યુઆરી 2024, ગુરૂવાર
Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી રામલલાની મૂર્તિના મૂર્તિકાર અરુણ યોગીરાજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદના સ્વરૂપ વિશે જણાવતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, જ્યારે મેં ગર્ભગૃહમાં મૂર્તિ જોઈ તો મને લાગ્યું જ નહીં કે, આ મૂર્તિ મેં તૈયાર કરી છે. યોગીરાજ પણ મૂર્તિ જોઈને દંગ રહી ગયા હતા. બુધવારે રાત્રે મૈસૂરના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેઓ રાત્રે લગભગ 9:30 વાગ્યે અહીં ઉતર્યા હતા. CISF કર્મીઓ દ્વારા તેમને ટર્મિનલથી બહાર લાવવમાં આવ્યા હતા.
તેમના ચાહકો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપરાંત મોટી સંખ્યામાં ભીડ તેમના સ્વાગત માટે તૈયાર હતી. ભીડને નિયંત્રિત કરવું પોલીસ માટે મુશ્કેલ બની ગયુ હતું. યોગીરાજ ટર્મિનલથી બહાર નીકળતા જ તેમની પત્ની વિજેતા અને બાળકો સહિત તેમના પરિવારના લોકોએ તેમનું સ્વાગત કર્યું. લોકો તેમને જોવા માટે આતુર હતા.
આ પહેલા અયોધ્યામાં એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં યોગીરાજે કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા બાદ હું ગર્ભગૃહમાં હતો. હું થોડી વાર મૂર્તિ સામે બેઠો રહ્યો હતો. મને લાગ્યું કે, આ મૂર્તિ એ છે જ નહીં જે મેં બનાવી હતી. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ ભગવાનનું સ્વરૂપ એકદમ બદલાઈ ગયું.
યોગીરાજે કહ્યું કે, ગર્ભગૃહની બહાર સુધી રામલલાની મૂર્તિની છબી અલગ હતી. મૂર્તિને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવતાની સાથે તેની આભા જ બદલાઈ ગઈ. મેં પણ તે અનુભવ કર્યો. મેં ગર્ભગૃહમાં મારી સાથે હાજર લોકોને પણ તેના વિશે જણાવ્યું હતું.