ભારતમાં અયોધ્યા અને થાઈલેન્ડમાં અયુધ્યા, બંને તરફ છે રામની ગૂંજ, જાણો આ બંને વચ્ચેનો સંબંધ
75 વર્ષથી વધુ ગાઢ સંબંધો ધરાવતા ભારત-થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક જોડાણ પણ સદીઓ જૂનાં
ભારતની પ્રાચીન સભ્યતાનો દક્ષિણ પૂર્વ એશિયા પર ઘણો પ્રભાવ : થાઈલેન્ડમાં પણ રામાયણનું મંચન
Ayodhya Ram Mandir And Thailand Ayutthaya History : વિશ્વભરમાં ભારતના અયોધ્યાની ખુબ ચર્ચા થઈ રહી છે. રામ મંદિરમાં આજે રામલલાના પ્રાણપ્રતિષ્ઠાનું ભવ્યાતિવ્ય સમાપન થયું છે. દેશભર જય શ્રી રામ ના નાદથી ગૂંજી ઊઠ્યું છે, તમામ શહેરોના રસ્તાઓ પર ભગવાન રામની શોભાયાત્રાઓ જોવા મળી રહી છે, તો વિદેશમાં પણ રામ નામની ધૂન સંભળાઈ રહી છે. ઘણા દેશોમાં અયોધ્યાની ચર્ચા થઈ રહી છે. ભારતની ધાર્મિક નગરી અયોધ્યાનો ઈતિહાસ સૌકોઈ જાણે છે, પરંતુ તેના જેવું જ નામ ધરાવતું એક શહેર પણ ભગવાન શ્રી રામના જીવનકાળની યાદ અપાવતું રહ્યું છે. આ શહેર છે થાઈલેન્ડનું અયુધ્યા...
રામાયણ થાઈલેન્ડ સુધી પહોંચી ગઈ
સદીઓ પહેલા અયુધ્યા વિશાળ સામ્રાજ્યની રાજધાની કહેવાતી હતી. બેંગકોકથી 70 કિલોમીટર દૂર આવેલી અયુથ્યા રાજધાની હાલ ખંડેર હાલતમાં છે. અયોધ્યા અને અયુથ્યામાં પણ કેટલીક સમાનતા છે, જેમ કે અયોધ્યા સરયૂ નદીના કિનારે આવેલું છે, તેવી જ રીતે અયુથ્યા શહેર ત્રણ નદીઓથી ઘેરાયેલું છે. એવું કહેવાય છે કે, અયોધ્યા અને અયુથ્યા, આ બંને શબ્દો એક સમાન હોવા સંયોગ નથી, પરંતુ સંસ્કૃત શબ્દોનો થાઈ ભાષામાં ઉપયોગ કરી નવા નવા નામો અગાઉ પણ બનતા રહ્યા છે. ભારતની પ્રાચીન સભ્યતાનો દક્ષિણ પૂર્વ એશિયા પર ઘણો પ્રભાવ પડ્યો છે. એવું કહેવાય છે કે, અયુથ્યાની સ્થાપના થઈ, ત્યાં સુધીમાં તો રામાયણ થાઈલેન્ડ સુધી પહોંચી ગઈ હતી.
થાઈલેન્ડમાં રામાયણનું નામ રામાકિએન
થાઈલેન્ડમાં રામાયણ (Ramayan)ને રામાકિએનથી ઓળખવામાં આવે છે. થાઈલેન્ડના લોકો રાજાને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. આ જ કારણે ત્યાં રાજાઓને રામા-1, રામા-2 વગેરે નામથી ઓળખવામાં આવે છે. થાઈલેન્ડમાં સંસ્કૃત ઉપરાંત પાલી જેવી ભાષાની પણ ઘણી અસર જોવા મળે છે. યૂનેસ્કોના જણઆવ્યા મુજબ અયુથ્યાના શાહી દરબારમાં ઘણા દેશોના દૂતોની અવરજવર રહેતી હતી, તેમાં મુગલ દરબાર, જાપાન અને ચીની સામ્રાજ્યનોના દૂત પણ સામેલ છે.
થાઈલેન્ડમાં રામાયણના ઘણા સંસ્કરણો બન્યા
થાઈલેન્ડ અને ભારતના રાજદ્વારી સંબંધોને 77 વર્ષ થવાના છે, પરંતુ બંને વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક જોડાણ સદીઓ જૂનું છે. રામાયણની વાત કરીએ તો, થાઈલેન્ડમાં તેના ઘણા સંસ્કરણો બન્યા છે. તેને થાઈ રાજા રામા-1એ ફરી લખી હતી, ત્યાં આજે પણ રામાકિએનનું મંચન થાય છે. તેમાં રામાયણની ઘણી બધી બાબતો સમાન છે. તેમાં રાવણ તરીકે થૉસકન નામનું કિરદાર છે, કારણ કે થૉસનો અર્થ 10 થાય છે. જ્યારે રામ તરીકે ફ્રાનું કિરદાર છે, જે ભગવાન રામ છે.
અયુથ્યાનો ઈતિહાસ
અયુથ્યાના ઈતિહાસની વાત કરીએ તો ત્યાં 14મીથી 18મી સદી સુધી ઘણી સમૃદ્ધિ હતી. 1967માં બર્માએ ત્યાં હુમલો કર્યો હતો. ત્યારબાદ તે શહેરને ફરી વિકસાવાયું નથી. ત્યાં હજુ પણ મૂર્તિઓ અને ઈમારતો ખંડેર હાલતમાં જોવા મળે છે.