11,00,00,000 શ્રદ્ધાળુઓએ 6 મહિનામાં રામમંદિરના કર્યા દર્શન, વિદેશી પર્યટકો પણ ઉમટ્યા
Ayodhya Ram Temple: અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બન્યા બાદ તેની મુલાકાત લેનારાની સંખ્યા સતત વધી રહી છે. મૂર્તિ પ્રતિષ્ઠા પછી એટલે કે જાન્યુઆરીથી જૂન દરમિયાન લગભગ 11 કરોડ શ્રદ્ધાળુએ શ્રી રામલલાના દર્શન કર્યા હતા. પ્રવાસન વિભાગે ઉત્તર પ્રદેશના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા જાહેર કરી છે. અહીંના વિવિધ પ્રવાસન સ્થળોએ આ ગાળામાં કુલ 32.98 કરોડ પ્રવાસી આવ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ જ છ મહિનામાં 19.60 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા.
વારાણસી અને આગ્રા સૌથી લોકપ્રિય
ગયા વર્ષની છ માસની સરખામણીએ આ વર્ષે મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા આ વર્ષે 13.38 કરોડ વધી છે. જેમાં 10.36 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. વિદેશી પ્રવાસીઓએ આગ્રા અને વારાણસીની સૌથી વધુ મુલાકાત લીધી છે. તેમાં પણ સૌથી વધુ 7.03 લાખ પ્રવાસીએ આગ્રા અને 1.33 લાખ પ્રવાસીએ વારાણસીની મુલાકાત લીધી હતી. આ અંગે પ્રવાસન મંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં રાજ્યમાં પ્રવાસનનો ઝડપથી વિકાસ થયો છે. આ વર્ષે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામલલાના વિસર્જન બાદ પ્રવાસીઓનું આગમન ઝડપથી વધ્યું છે.
આ પણ વાંચોઃ 40 કરોડ તો ગયા પાણીમાં! વધુ 52 કરોડ ખર્ચી ગુજરાતના ચર્ચિત બ્રિજનું થશે ડિમોલિશન-રિનોવેશન
જાન્યુઆરીથી જૂન વચ્ચે સૌથી વધુ 10.99 કરોડ પ્રવાસીઓએ અયોધ્યા રામ મંદિરની મુલાકાત લઈને રામલલાના દર્શન કર્યા છે, જેમાં 2,851 વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. આ ઉપરાંત 4.61 કરોડ પ્રવાસીઓએ વારાણસીની મુલાકાત લીધી હતી, જેમાં 1.33 લાખ વિદેશી પ્રવાસીઓ સામેલ છે. પ્રયાગરાજમાં 4.53 કરોડ પ્રવાસી આવ્યા હતા, જેમાં 3,668 વિદેશી પ્રવાસીઓ પણ સામેલ છે. એવી જ રીતે 49,619 વિદેશી પ્રવાસીઓ સહિત 3.07 કરોડ પ્રવાસીઓએ મથુરાની મુલાકાત લીધી છે.
તાજમહેલ જોવા માટે 76.88 લાખ પ્રવાસીઓ આગ્રાની મુલાકાતે આવ્યા હતા, તો લખનઉની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યા 35.14 લાખ હતી. જેમાં 7,108 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના વિવિધ પ્રવાસન સ્થળોએ ગયા વર્ષે 48 કરોડ પ્રવાસીએ મુલાકાત લીધી હતી. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા 60 કરોડને પાર થવાની આશા છે. પ્રવાસન વિભાગે પ્રવાસીઓની ચોક્કસ સંખ્યા વિશે માહિતી એકત્ર કરવા માટે સર્વે કરવાની વ્યવસ્થા પણ કરી છે.