રામ માધવ બની શકે છે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ, ઘણા રાજ્યોના ગવર્નરો બદલાય તેવી શક્યતા
Image Source: Twitter
Ram Madhav : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રામ માધવના નામની ચર્ચા હાલમાં જોર-શોરથી ચાલી રહી છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, તેમને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. જો કે, હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ રાજકીય કોરિડોરમાં ચર્ચા જોર-શોરથી ચાલી રહે છે. રામ માધવની કાશ્મીર મામલો પર ઊંડી સમજ અને તેમના અનુભવને જોતા એવું માનવામાં આવી રહ્યું છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીર સિવાય ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના રાજ્યપાલ બદલી શકે છે. જો કે, હજુ સુધી આ સંભવિત ફેરબદલ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ફેરફારો આ ઓક્ટોબર અથવા નવેમ્બરના અંતમાં થઈ શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબદુલ્લાના નેતૃત્વમાં બની નવી સરકાર
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. બુધવારે અહીં નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં નવી સરકારે સત્તા સંભાળી છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરવા માટે રામ માધવને મહત્વની ભૂમિકામાં રાખ્યા હતા. તેઓ કાશ્મીરમાં પાર્ટી માટે હંમેશા મહત્વનો ચહેરો રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના મામલે રામ માધવની ભૂમિકાને અવગણી ન શકાય. તેમણે પીડીપી અને ભાજપના ગઠબંધનમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. કલમ 370 હટાવવાની યોજના પણ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી, જે કાશ્મીરના ઈતિહાસમાં એક મોટો બદલાવ સાબિત થયો હતો. તેમનો અનુભવ અને સમજણ કાશ્મીરના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે.
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં 22 ઓગસ્ટ 1964ના રોજ જન્મેલા રામ માધવે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. તેઓ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. સંઘમાંથી જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યા અને ધીરે ધીરે મોટા રાજકીય હોદ્દાઓ પર કબજો જમાવ્યો. તેમનો રાજકીય અનુભવ કાશ્મીરથી લઈને ઉત્તર-પૂર્વના રાજ્યો સુધી વિસ્તરેલો છે.