રામમંદિરના પરિસરમાં પહોંચી રામલલાની મૂર્તિ, ગર્ભગૃહમાં થશે સ્થાપિત, જાણો મંદિરનું કામ કેટલે પહોંચ્યું?
આ પહેલા રામ મંદિર પરિસરમાં રામલલાની પ્રતિકાત્મક પ્રતિમાને ભ્રમણ કરાવાયું હતું
Ram mandir Ayodhya News | રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. આ મૂર્તિને ગુરુવારે ગર્ભગૃહમાં રાખવામાં આવશે. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમનું આસન પણ તૈયાર કરી દેવાયું છે. રામલલાનું આસન 3.4 ફૂટ ઊંચું છે, જે મકરાણા પથ્થરથી બનેલું છે.
રામમંદિરનું ભ્રમણ કરાવાયું
આ પહેલા રામ મંદિર પરિસરમાં રામલલાની પ્રતિકાત્મક પ્રતિમાને ભ્રમણ કરાવાયું હતું. આ મૂર્તિને ફૂલોથી શણગારેલી પાલખીમાં અહીં લવાઈ હતી. અગાઉ મંગળવારે સવારે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રામલલાના મંદિરમાં ગર્ભગૃહ હશે જ્યાં પાંચ મંડપ હશે. મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. જો કે મંદિરના પહેલા માળે હજુ પણ થોડું કામ બાકી છે. અહીં રામ દરબાર યોજાશે. મંદિરનો બીજો માળ ધાર્મિક વિધિઓ માટે છે. અહીં વિવિધ પ્રકારના યજ્ઞો અને અનુષ્ઠાન થશે. તેમણે જણાવ્યું કે શુભ મુહૂર્ત 22મી જાન્યુઆરીના રોજ બપોરે 12.30 વાગ્યે હશે. તેનાથી પહેલા પૂજા વિધિ શરૂ કરી દેવાઈ છે.
સૌને આમંત્રણ મોકલાયા
રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશભરમાંથી સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી દરેક અયોધ્યામાં હાજર રહેશે. આ અવસર પર ભારતીય રેલ્વે 200 થી વધુ આસ્થા વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહી છે, જેથી વધુને વધુ લોકો રામ મંદિરના દર્શન કરી શકે.