Get The App

રામનવમીએ લલાના ભાલે સૂર્ય તિલક

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
રામનવમીએ લલાના ભાલે સૂર્ય તિલક 1 - image


- સૂર્યાભિષેકથી રામલલાનું લલાટ જળહળી ઉઠયું

- દર વર્ષે રામનવમીએ અયોધ્યામાં રામ લલાનો સૂર્યાભિષેક કરવા વિચારણા, ભક્તોમાં આનંદનો માહોલ

અયોધ્યા : રામનવમીના દિવસે ભગવાન શ્રીરામનો દેશભરમાં જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અયોધ્યામાં રામલલાના લલાટ પર વિશેષ યંત્ર દ્વારા સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. સૂર્યના કિરણો જેમ જ રામલલાનું લલાટ પણ જળહળી ઉઠયું હતું. લોકોએે ઇન્ટરનેટ અને ટીવીના માધ્યમથી રામના સૂર્યાભિષેકને નિહાળ્યો હતો. જ્યારે ભગવાન રામનું સૂર્ય તિલક કરવામાં આવી રહ્યું હતું તે સમયે વડાપ્રધાન મોદી આસામમાં ચૂંટણી સભા હતા. અને ઓનલાઇન તેમણે સમગ્ર વીધીને નિહાળી હતી.

બપોરના સમયે રામ લલાની મૂર્તિના લલાટ પર  સૂર્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ માટે મંદિર મેનેજમેન્ટે વિજ્ઞાનનો ઉપયોગ કરીને ૫.૮ સેંટીમીટર પ્રકાશની કિરણ સાથે રામલલાને સૂર્ય તિલક કર્યું હતું. આ અવસરે ૧૦ ભારતીય વૈજ્ઞાનિકોની એક ટીમ રામ મંદિરમાં તૈનાત હતી. એક દર્પણ અને લેંસનો ઉપયોગ કરીને સૂર્યની રોશનીને રામલલાના લલાટ પર સટીક રીતે સ્થાપિત કરી હતી. વૈજ્ઞાનિકોની ટીમે આ માટે અથાક પ્રયાસો પણ કર્યા હતા.  જ્યારે બીજી તરફ દેશભરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઉજવણીમાં જોડાયા હતા. તેઓ આસામમાં રેલીને સંબોધી રહ્યા હતા જે બાદ તેઓએ આ સમગ્ર વીધીને ઓનલાઇન નિહાળી હતી.  

સૂર્યાભિષેકની સમગ્ર પ્રક્રિયા પાર પાડવામાં વૈજ્ઞાનિકો પણ જોડાયા હતા. આદિત્ય-એલ૧નું નિર્માણ કરનારી બેંગલુરુની ઇન્ડિયન ઇસ્ટીટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના વૈજ્ઞાનિકોની વિશેષ ટીમને મંદિરમાં તૈનાત કરાઇ હતી. તેઓએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સૂર્યના કિરણો સીધા રામલલાના લલાટ પર પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી રાખી હતી. જે માટે વિવિધ દર્પણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામલલા મંદિરમાં હોવાથી સીધા તેમના પર સૂર્યના કિરણો પાડવા મૂશ્કેલ હતા, જેને પગલે આ સમગ્ર પ્રક્રિયા માટે વિજ્ઞાનનો સહારો લેવામાં આવ્યો હતો. આ એ જ વૈજ્ઞાનિકોની ટીમ હતી જેણે સૂર્યના અભ્યાસ માટે ઇસરોની સાથે મળીને આદિત્ય-એલ૧ મોકલ્યું છે. વિજ્ઞાનિકોના આ પ્રયાસના લોકોએ વખાણ કર્યા હતા. હાલ જે સિસ્ટમ ફિટ કરવામાં આવી છે તે કામચલાઉ છે, જોકે દર રામનવમીએ આ સિસ્ટમનો ઉપયોગ સૂર્યાભિષેક માટે કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મોદીએ હેલિકોપ્ટરમાં મોજડી ઉતારી ટેબલેટની મદદથી સૂર્યાભિષેક નિહાળ્યો

આસામના નલબાડીમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને રામના સૂર્યાભિષેકને ટેબલેટ પર નિહાળ્યો હતો. મોદીએ બે તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાં તેઓને ઓનલાઇન રામના દર્શન કરતા દેખાડવામાં આવ્યા છે. આ દરમિયાન મોદીએ મોજડીને ઉતારી દીધી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોદીએ પોસ્ટ કરીને કહ્યું હતું કે નલબાડીની રેલી બાદ મે રામલલા પર સૂર્ય તિલક નિહાળ્યું, કરોડો ભારતીયોની જેમ મારા માટે પણ આ અત્યંત ભાવુક પળ છે. મોદીએ કહ્યું હતું કે  અયોધ્યામાં ભવ્ય રામનવમી ઐતિહાસિક છે, આ સૂર્ય તિલક આપણા જીવનમાં ઉર્જા લાવે અને આપણા રાષ્ટ્રને ગૌરવની ઉંચાઇને સ્પર્શ કરવા માટે પ્રેરિત કરે.  જ્યારે નલબાડીમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પ્રભુ શ્રીરામનું સૂર્ય તિલક થઇ રહ્યું છે ત્યારે આપણા મોબાઇલનું કિરણ મોકલી રહ્યા છે. સ્ટેજ પર આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પણ હાજર હતા. તેમણે પણ મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ ઓન કરી રાખી હતી. વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે ૫૦૦ વર્ષ બાદ આ સમય આવ્યો છે જ્યારે ભગવાન રામ પોતાના ઘરમાં બર્થ ડે ઉજવી રહ્યા છે.  

સૂર્યાભિષેક માટે ઓપ્ટિકલ મેકેનિકલનો ઉપયોગ કરાયો

રામલલાના લલાટ પર સૂર્ય તિલક માટે સૂર્યની સ્થિતિનો અભ્યાસ કરાયો હતો. બપોરે ૧૨ વાગ્યે સૂર્ય કઇ સ્થિતિમાં હશે તે તપાસ કરાઇ. વૈજ્ઞાનિકોએ આ સમગ્ર પ્રક્રિયાને પાર પાડવા માટે ચાર દર્પણ અને ચાર લેન્સનો ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાને ઓપ્ટિકલ મેકેનિકલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. જેને પોલરાઇઝેશન ઓફ લાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ચાર લેન્સ અને ચાર દર્પણ પાઇપિંગ સિસ્ટમ અંદર ફિટ કરાયા હતા. જેમાં એક એપર્ચર સાથે પુરુ કવર છત પર રાખવામાં આવે છે. દર્પણ અને લેન્સના માધ્યમથી સૂર્યના કિરણોને ગર્ભ ગૃહ તરફ વાળવામાં આવ્યા હતા. અંતિમ લેન્સ એ રીતે ફિટ કરાયો હતો કે તેના પર સૂર્યના કિરણો પડતા જ તે સીધા રામલલાના લલાટ પર સુધી પહોંચી ગયા. જે પાઇપનો ઉપયોગ કરાયો હતો તેના અંદરનો હિસ્સો કાળા રંગથી રંગવામાં આવ્યો હતો. જેથી સૂર્યના કિરણો વિખરાયા નહોતા. જ્યારે સૂર્યની ગરમીની લલાટ પર ના થાય તે માટે ઇન્ફ્રારેડ ફિલ્ટર ગ્લાસ લગાવવામાં આવ્યો હતો. આ તમામ પ્રક્રિયા બાદ અંતે છત પર જે સૂર્ય પ્રકાશ પડતો હતો તેને ગર્ભ ગૃહ સુધી લાવવામાં સફળતા મળી હતી. 


Google NewsGoogle News