અયોધ્યા: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભવ્ય રામ મંદિર નિર્માણ કાર્યની તસવીરો જાહેર કરી
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 19 મે 2023 શુક્રવાર
રામ ભક્તોની આતુરતાનો અંત બસ હવે ટૂંક સમયમાં જ થવાનો છે. આગામી વર્ષે જાન્યુઆરીમાં ભગવાન રામલલાની મૂર્તિ સ્થાપિત થવાની છે. ભગવાન રામના દિવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યુ છે. દરમિયાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પથ્થરો પર કરવામાં આવી રહેલી કોતરણીના ફોટા શેર કર્યા છે. ભગવાન રામલલાની મૂર્તિ સિવાય હિન્દુ શાસ્ત્રો પર આધારિત 3600 મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ફોટો શેર કરતા લખ્યુ કે રામ જન્મભૂમિ મંદિરમાં સ્તંભો તથા અન્ય સ્થળો પર સ્થાપિત કરવા માટે શાસ્ત્રીય ગ્રંથોમાં વર્ણિત કથાઓના આધારે સુંદર મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ મૂર્તિઓની નિર્માણ પ્રક્રિયા સારિણી અનુસાર કરવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટર પર ફોટો શેર કરી લખ્યુ કે આપણા શાસ્ત્રોની કહાણીઓના આધારે પથ્થર પર સુંદર મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. મંદિરમાં જે પથ્થર લગાવવામાં આવી રહ્યા છે તે પથ્થરોમાં 3600 દેવી દેવતાઓની મૂર્તિ બનાવવામાં આવી રહી છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા મંદિર નિર્માણ કાર્યની તસવીરો શેર કરી છે. તસવીરોને જોઈને લાગી રહ્યુ છે કે રામલલાના મંદિરની છતની કાસ્ટિંગનું લગભગ અડધાથી વધુ કાર્ય પૂરુ થઈ ચૂક્યુ છે.