''રામ-જન્મ-ભૂમિ'' સ્થળ તે સમયે વિવાદમાં હતું છતાં શા માટે રાજીવે શિલાન્યાસ કરાવ્યો
- 1989 માં રાજીવ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી બૂટાસિંહને ઉ.પ્ર.ના ત્યારના મુ.મં. એન.ડી. તિવારી સાથે સમાધાન શોધવા કહ્યું હતું
નવી દિલ્હી : ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં ''રામલલ્લા''ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેથી દેશભરમાં ભક્તિભાવનો માહોલ બની રહ્યો છે. તો બીજી તરફ તેથી રાજકારણમાં ગરમી આવી ગઈ છે. એન.સી.પી. અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે ભાજપ અને આર.એસ.એસ. આ મુદ્દા ઉપર રાજકારણ રમી રહ્યા છે. વાસ્તવમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ ત્યાં 'રામમંદિર' માટે શિલાન્યાસ કરાવી જ દીધો હતો.
ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ શિલાન્યાસ પાછળ સત્ય શું છે ? જો રાજીવ ગાંધીએ આપોઆપ શિલાન્યાસ કરાવ્યો હોય તો તે કોના દ્વારા કરાવ્યો હતો.
કેટલાકનું તો તેમ પણ કહેવું છે કે રામાનંદસાગરના ચલચિત્ર ''રામાયણ''ની લોકપ્રિયતા પછી 'રામમંદિર' રચવા માટે દેશભરમાં ઉત્સાહ વ્યાપી રહ્યો હતો.
૧૯૮૯ માં કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી. ત્યારે મંત્રી પદે રહેલા વી.પી. સિંહે તેઓની વિરૂદ્ધ મોરચો ખોલ્યો. દેશભરમાં ''બૉફોર્સ-મુદ્દા''ને જોરશોરથી ચગાવ્યો. રાજીવ સરકારને ભ્રષ્ટ સરકાર કરી દીધી. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યામાં 'રામ મંદિર' માટે આંદોલન ચલાવી રહ્યું હતું.
તે વર્ષે (૧૯૮૯ માં) ડિસેમ્બરમાં લોકસભાની ચૂંટણી યોજવાની હતી. તેથી રાજીવ ગાંધીએ વિશાળ હિન્દુ મતદાતાઓને સંતુષ્ટ કરવા, તુષ્ટિકરણની નીતિ અપનાવી, વિ.હિ.પ.ના નેતાઓને પોતાની સાથે લીધા. તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી બૂટાસિંહને ઉ.પ્ર.ના તે સમયના મુ.મં. નારાયણ દત્ત તિવારી સાથે આ મુદ્દાએ સમાધાન કરવા કામે લગાડયા.
તે સમયે એવા મીડીયા રીપોર્ટસ વહેતા થયા હતા કે કેન્દ્રીય ગૃહમંત્રી બુટાસિંહ, ઉ.પ્ર.ના મુ.મં. એન.ડી.તિવારી અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓની એક ગુપ્ત બેઠક મળી હતી. જેમાં લિખિત રીતે સમાધાન થયું કે રાજીવ ગાંધી વિવાદિત ''રામજન્મભૂમિ મંદિર'' માટે શિલાન્યાસ કરવા મંજૂરી આપે તેના બદલામાં સાધુ-સંતો ચૂંટણીમાં સરકારને સમર્થન આપે.
આ ગુપ્ત સમજૂતી પછી ૯ નવેમ્બર ૧૯૮૯ ના દિવસે અયોધ્યામાં 'શિલાન્યાસ' કાર્યક્રમ સંપન્ન થયો. જોકે રાજીવ ગાંધી પોતે તો તેમાં હાજર રહ્યા ન હતા, પરંતુ તેમની નજર સતત તે કાર્યક્રમ ઉપર હતી. તે સમયે મંદિર માટેની આધારશિલા એક દલિત યુવક કામેશ્વર અને સ્વામી અવૈદ્યતાએ રાખી હતી. તેઓ તે સમયે ''રામમંદિર આંદોલન''નું નેતૃત્વ કરતા હતા.
આ ઘટના પૂર્વે ૩ વર્ષે ૧૯૮૬માં રાજીવ ગાંધીએ જ તે વિવાદિત સ્થળ ઉપરનું તાળું ખોલાવ્યું હતું. જે અદાલતના આદેશ પછી કરવામાં આવ્યું હતું. પરંતુ મહત્વની વાત તે છે કે જજે તે આદેશ આપ્યો તે પછી ૪૦ મીનીટમાં તાળું ખોલવામાં આવ્યું. તેટલું જ નહીં પરંતુ ૧૯૮૯ ની ચૂંટણી સમયે પ્રચારનું મુખ્ય શસ્ત્ર જ ''અયોધ્યા'' બની રહ્યું. સંજોગો જણાવે છે કે રાજીવે વિ.હિ.પ.નો સાથ લેવા તેઓએ આમ કર્યું હશે. પરંતુ વિ.હિ.પ.એ ચૂંટણીમાં રાજીવ ગાંધી કે કોંગ્રેસને સાથ ન આપ્યો. સાધુ-સંતોએ તો કસમ ખાઈને કહ્યું હતું કે અમે રામમંદિર બનાવીશું જ.
રસપ્રદ વાત તે છે કે રાજીવ જ્યારે અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ કરાવી રહ્યા હતા. ત્યારે ભાજપા ઈચ્છતી ન હતી કે મંદિરનો શિલાન્યાસ થાય, જ્યારે વિ.હિ.પ. શિલાન્યાસ થાય તેમ ઈચ્છતી હતી. ભાજપે ત્યારે વી.પી.સિંહનું સમર્થન કર્યું હતું.
જોકે ૧૯૮૯ ની ચુંટણીમાં કોંગ્રેસ પરાજિત થઈ. રાજીવ ગાંધીના સ્થાને વી.પી.સિંહ વડાપ્રધાન થયા, ૧૯૯૦ માં રામમંદિર આંદોલને જોર પકડયું અને ત્યાં કારસેવા માટે માંગણી ઉભી થઈ.