Get The App

'નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માગે છે...' અજમેર વિવાદ અંગે દિગ્ગજ સાંસદનો બફાટ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
'નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માગે છે...' અજમેર વિવાદ અંગે દિગ્ગજ સાંસદનો બફાટ 1 - image


Ram Gopal Yadav's Controversial Statement: દેશભરમાં પ્રખ્યાત રાજસ્થાનની અજમેર શરીફ દરગાહમાં મહાદેવ મંદિર હોવાના દાવા સાથે એક અરજી સ્થાનિક કોર્ટમાં કરવામાં આવી છે. કોર્ટે આ અરજીનો સ્વીકાર કરીને દરગાહ મેનેજમેન્ટ કમિટીને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે. આ વિવાદ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે જજોને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી દીધી છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં યાદવે કહ્યું કે નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માગે છે. આ પહેલા તાજેતરમાં જ તેમણે નિવૃત્ત ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અંગે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને બાદમાં તેમણે યુ-ટર્ન લઈ લીધો હતો.

નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માગે છે

અજમેર શરીફ વિવાદ અંગે સપા નેતા રામ ગોપાલ યાદવે કહ્યું કે, 'મેં આ પહેલા પણ કહ્યું હતું કે, આવા નાના-નાના જજો બેઠા છે જે આ દેશને આગ લગાડવા માગે છે. તેનો કોઈ અર્થ નથી. આપણા વડાપ્રધાન પોતે અજમેર શરીફમાં ચાદર મોકલે છે. દેશ અને દુનિયામાંથી લોકો ત્યાં આવે છે. તેને વિવાદોમાં નાખવી એ ખૂબ જ ઘૃણાજનક અને ઓછી માનસિકતાનું પ્રતીક છે. સત્તામાં બની રહેવા માટે ભાજપ સમર્થિત લોકો કંઈ પણ કરી શકે છે, દેશમાં આગ લાગી જાય તેનાથી તેમને કોઈ મતલબ નથી. તેમને માત્ર સત્તાથી મતલબ છે. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે તેમને આ કેસમાં પક્ષકાર બનાવવામાં નથી આવ્યા.

આ પણ વાંચો: અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો, કોર્ટે અરજી મંજૂર કરી તમામ પક્ષકારોને મોકલી નોટિસ

અરજદારનો દાવો છે કે અહીંયા મહાદેવ મંદિર આવેલું છે

આ અરજી એક હિન્દુ સંગઠનના વિષ્ણુ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી. જેની સુનાવણી માટે કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. અરજદારનો દાવો છે કે અહીંયા મહાદેવ મંદિર આવેલું છે, માટે સમગ્ર દરગાહનો વૈજ્ઞાનિક સરવે કરવા માટે આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા(એએસઆઇ)ને આદેશ આપવામાં આવે. 

કોર્ટે હાલ દરગાહ કમિટી, લઘુમતી મંત્રાલય અને એએસઆઈને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. આ પહેલા આ જ અરજદાર દ્વારા અજમેર કોર્ટમાં અરજી કરાઈ હતી જેમાં અજમેર દરગાહને શિવ મંદિર જાહેર કરવાની માગણી કરાઈ હતી, જોકે કોર્ટે તે અરજીની સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે નવી અરજી કરાઈ હતી જેમાં દરગાહનો સરવે કરવાની માગ કરાઈ છે. કોર્ટે હાલ તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ આપવા કહ્યું છે, હવે આ મામલે આગામી 20મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. 


Google NewsGoogle News