ભારતના વોરેન બફેટ રાકેશ ઝુનઝુનવાલાનું ૬૨ વર્ષની વયે નિધન
દલાલ સ્ટ્રીટના બિગ બુલ તરીકે જાણીતા અને ૫.૮ અબજ ડાલરની સંપત્તિના માલિક ઝુનઝુનવાલા ફોર્બ્સની ધનિકોની યાદી, ૨૦૨૧માં ૩૬મા ક્રમે હતાં
હૃદયરોગના હુમલાથી હોસ્પિટલમાં અવસાન
(પીટીઆઇ) મુંબઇ,
તા. ૧૪
ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા સ્કોટ માર્કેટ ઇન્વેસ્ટર
રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે અવસાન થયું છે. તેઓ ૬૨ વર્ષના હતાં. ભારતના શ્રેષ્ઠ
શેર રોકાણકાર તરીકે જાણીતા ઝુનઝુનવાલાનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે તેમ
તેમના દ્વારા શરૃ કરવામાં આવેલી એરલાઇન્સના સૂત્રોએ જણાવ્યું હતું.
પોતાની જાતે જ ટ્રેડર,
ઇન્વેસ્ટર અને બિઝનેસમેન બનેલા અને દલાલ સ્ટ્રીટના બિગ બુલ તરીકે જાણીતા
ઝુનઝુનવાલા પાસે ૫.૮ અબજ ડોલરની સંપત્તિ હતી. ફોર્બ્સ, ૨૦૨૧ મુજબ તેઓ
ભારતના ધનિકોમાં તેમનો ક્રમ ૩૬મો હતો.
તેમના પિતા આવકવેરા વિભાગમાં અધિકારી હતાં. તેઓ તેમની પાછળ
પત્ની અને ત્રણ બાળકોને છોડીને ગયા છે. ચાર્ટડ એકાઉન્ટન્ટની પદવી ધરાવતા
ઝુનઝુનવાલાની છેલ્લા કેટલાક મહિનાથી તબિયત સારી ન હતી. તેમને કિડનીપિ બિમારી હતી.
છેલ્લા કેટલાક કાર્યક્રમોમાં તે વ્હીલ ચેરમાં જોવા મળ્યા હતાં.
તેમણે ગયા સપ્તાહમાં જ પોતાની એરલાઇન્સ અકાસા એરલાઇન્સનું
ઉદ્ઘાટન કર્યુ હતું. તે વખતે પણ તે બિમાર લાગતા હતાં. આજે સવારે બ્રિચ કેન્ડી
હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હૃદય રોગના
હુમલાને કારણે તેમનું મોત થયું છે.
બ્રિચ કેન્ડી હોસ્પિટલના ડો. પ્રતિત સમદાનીએ જણાવ્યું હતું
કે તેઓ ડાયાલિસિસ પર હતાં. આ ઉપરાંત તેમને ડાયાબિટિસ પણ હતું. તાજેતરમાં જ તેમની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં
આવી હતી. પરિવારજનો અંતિમ સંસ્કરા માટે દુબઇમાં રહેતા તેમના ભાઇની રાહ જોઇ રહ્યાં
હતાં.
તેમણે પોતાના કોલેજ કાળમા ફક્ત ૫૦૦૦ રૃપિયાની મૂડીથી
શેરબજારમાં રોકાણ શરૃ કર્યુ હતું. તેમને શેરબજારમાં રસ પિતાના રોકાણને કારણે
જાગ્યો હતો. તેમણે ૨૫ વર્ષની ઉંમરે ૧૯૮૫માં પ્રથમ વખત શેરબજારમાં રોકાણ કર્યુ
હતું. આ નાણા તેમણે પોતાના સંબધી પાસેથી ઉછીના લીધા હતાં. તે સમયે સેન્સેક્સ માત્ર
૧૫૦ પોઇન્ટ હતો. આજે વધીને ૬૦,૦૦૦ની
આસપાસ થઇ ગયો છે.
તેમની પાસે ૩૬ જેટલી કંપનીઓના મોટા પ્રમાણમાં શેરો હતાં.
જેમાં સૌથી વધુ રોકાણ ટાઇટનમાં હતું.
તેમના પોર્ટફોલિયોમાં સ્ટાર હેલ્થ,
રેલીસ ઇન્ડિયા, એસ્કોર્ટ્સ, કેનેરા બેંક, ઇન્ડિયન હોટેલ, એગ્રો ટેક ફૂડ, નઝારા ટેકનોલોજીસ
અને ટાટા મોટર્સના પણ શેરો હતાં.
તેઓ હંગામા મીડિયા અને એપ્ટેકના પણ ચેરમેન હતાં. તેમની પાસે
ટાઇટનના ૫.૦૫ ટકા શેરો હતાં. જેનું કુલ મૂલ્ય ૧૧,૦૦૦ કરોડ રૃપિયા છે. તેમણે ૧૯૮૬માં ટાટા ટીના ૫૦૦૦ શેર ૪૩
રૃપિયામાં ખરીદ્યા હતાં. ત્રણ જ મહિનામાં આ કંપનીના શેરનો ભાવ ૧૪૩ રૃપિયા થઇ ગયો
હતો. ત્રણ જ વર્ષમાં તેમણે ૨૦ થી ૨૫ લાખ રૃપિયા કમાવ્યા હતાં. તેમના અવસાન પછી રતન
ટાટાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે શેર બજારની ઉંડી સમજ માટે તે હંમેશા યાદ
રહેશે.૦