રાજ્યસભા પેટાચૂંટણીમાં મતદાન પહેલા જ ખુલી ગયું ભાજપનું ખાતું! 3 ઉમેદવારોની બિનહરીફ જીત
Rajyasabha Election: રાજ્યસભા પેટાચૂંટણીમાં 9 રાજ્યોની 12 બેઠકો પર થનાર પેટા ચુંટણીમાં પહેલેથી જ ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ જીત્યા છે. આસામ, બિહાર, મહારાષ્ટ્રની બબ્બે સીટ અને હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશાની એક એક સીટ પર પેટાચૂંટણી થનાર છે.
જેમાં રાજસ્થાનથી રવનીત સિંહ બિટ્ટુ, બિહારથી ઉપેન્દ્ર કુશવાહા અને મનન કુમાર મિશ્રા જેવા ઉમેદવારો સામેલ છે. બિહારમાં જીતેલા બંને ઉમેદવારોએ મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાત લીધી હતી.
રાજ્યસભાની આ પેટા ચુંટણીમાં આસામના કામાખ્યા પ્રસાદ તાશા અને સર્વાનંદ સોનોવાલ, બિહારમાં મિસા ભારતી અને વિવેક ઠાકુર, હરિયાણાના દીપેન્દ્ર હુડા, મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રના છત્રપતિ ઉદયન રાજે ભોંસલે, પિયુષ વેદપ્રકાશ ગોયલ, રાજસ્થાનના કેસી વેણુગોપાલ અને ત્રિપુરાના બિપ્લવ દેવની લોકસભા ચૂંટણીમાં જીત અને તેલંગાણાના કેશવ રાવ અને ઓડિશાના મમતા મોહંતાના રાજીનામાથી સીટ ખાલી થઈ છે. આ ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા સભ્યો વર્તમાન સભ્યોના બાકીના કાર્યકાળ માટે જ હશે. આ કાર્યકાળ 2025થી 2028 સુધીનો રહેશે.
બિનહરીફ પસંદ થયેલ ઉમેદવારો
ઉપેન્દ્ર કુશવાહાઃ હાલમાં જ લોકસભા ચૂંટણીમાં ઉપેન્દ્ર કુશવાહાને બિહારની કારાકટ સીટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે એનડીએ વતી કારાકટ બેઠક પરથી આરએલએમની ટિકિટ પર ચૂંટણી લડી હતી. કુશવાહા બિહારના મોટા નેતા છે. તેઓ બિહાર વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.
રવનીત સિંહ બિટ્ટુ: ત્રણ વખત કોંગ્રેસ સાંસદ રહી ચૂકેલા બિટ્ટુ 2009માં પહેલી વાર આનંદપુર સાહિબથી લોકસભા માટે ચૂંટાયા હતા. આ પછી તેણે 2014 અને 2019માં લુધિયાણાથી જીત મેળવી હતી. 33 વર્ષની ઉંમરે 2008માં પંજાબ યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
મનન કુમાર મિશ્રા: મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના કુચાઇકોટ બ્લોકના તિવારી ખરેયા ગામના વતની મનન કુમાર મિશ્રા એપ્રિલ 2012થી સતત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચૂંટણી જીતી રહ્યા છે. સાત વખત BCIના અધ્યક્ષ મનનકુમાર મિશ્રાને ભાજપે બિહારથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. મિશ્રા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે.
ચુંટણી પંચ દ્વારા આ મહિને રાજ્યસભા પેટા ચુંટણી માટે સૂચના જાહેર કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ હતી. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 27 ઓગસ્ટ હતી. મતદાન 3 સપ્ટેમ્બરે સંબંધિત રાજ્યોની વિધાનસભા ચુંટણીમાં સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી થશે. એ જ સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને રાત્રી સુધીમાં પરિણામ આવી જશે.