સાંસદ સાથે જ જાતિ આધારિત ભેદભાવ, પૂજારીએ મંદિરના ગર્ભગૃહમાં જતા અટકાવતાં હોબાળો
C. Ilaiyaraja: ભારતનું અર્થતંત્ર સતત વિકસી રહ્યું છે. વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમી ધરાવતા દેશમાં આર્થિક સધ્ધરતા તો જોવા મળી છે, પરંતુ જાતિગત ભેદભાવ આજે પણ ઠેરના ઠેર છે. આ વખતે જાતિગત ભેદભાવનો સામનો રાજ્યસભા સાંસદ ઈલૈયારાજાએ કરવો પડ્યો હતો.
તમિલનાડુના શ્રીવિલ્લીપુથુરના આંદલ મંદિરના ગર્ભગૃહમાં જતાં અટકાવવામાં આવ્યા હતા. 3 જૂન, 1943ના રોજ તમિલનાડુના થેનિ જિલ્લામાં દલિત પરિવારમાં જન્મેલા ઈલૈયારાજા દેશ જ નહીં વિદેશમાં પણ ખ્યાતનામ સંગીતકાર હોવા છતાં જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
જાણો શું હતો મામલો
તમિલનાડુના શ્રીવિલ્લિપુથુરના આંદલ મંદિરમાં પ્રસિદ્ધ સંગીતકાર અને રાજ્યસભાના સાંસદ ઈલૈયારાજાને મંદિરના પુજારીએ ગર્ભગૃહમાં જતાં અટકાવ્યા હતા, અને ત્યારબાદ તેમને મંદિરમાંથી બહાર જતાં રહેવા કહેવામાં આવ્યુ હતું.
7000થી વધુ ગીતોની રચના
ઈલૈયારાજા પોતાના સંગીત માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેમણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. 7000થી વધુ ગીતોની રચના કરી છે. તેમજ 20 હજારથી વધુ કોન્સર્ટ કર્યા છે. તેઓ સંગીતના જ્ઞાની તરીકે ઓળખાય છે. શતાબ્દી પુરસ્કારથી સન્માનિત ઈલૈયારાજાને પાંચ નેશનલ એવોર્ડ ઉપરાંત 2010માં પદ્મભૂષણ અને 20219માં પદ્મવિભૂષણથી બિરદાવવામાં આવ્યા હતા. 2012માં સંગીત નાટક અકાદમી પુરસ્કારથી પણ નવાજ્યા હતા. લંડનની ટ્રિનિટી સંગીત મહાવિદ્યાલયમાંથી ક્લાસિકલ ગિટાર વાદનમાં સ્વર્ણ પદક વિજેતા છે.