રાજ્ય સભાની ચૂંટણી : ભાજપનાં નેતૃત્વ નીચેનું NDA ગઠબંધન 121ની સ્પષ્ટ બહુમતિથી માત્ર 4 બેઠક પાછળ
- છેલ્લી 30 બેઠકોનાં પરિણામો જાહેર થતાં ભાજપને 97 બેઠકો મળી છે તેથી NDA ની સંખ્યા 117 થઇ : કોંગ્રેસના 29 સભ્યો છે
નવી દિલ્હી : રાજ્ય સભાની ચૂંટણીમાં છેલ્લે ૩૦ બેઠકો મેળવ્યા પછી, ભાજપના સભ્યોની સંખ્યા ૯૭ પહોંચી છે તે સાથે ભાજપનાં નેતૃત્વ નીચેનાં ગઠબંધન એન.ડી.એ.ના કુલ સભ્યોની સંખ્યા ૧૧૭ થઇ છે.
૨૪૦ બેઠકો ધરાવતાં આ ગૃહમાં સ્પષ્ટ બહુમતી માટે ૧૨૧ સભ્યો જોઇએ. એનડીએએ ૧૧૭ સભ્યો મેળવતાં તે હજી ૭ બેઠક પાછળ રહ્યું છે. જ્યારે દેશમાં મુખ્ય વિપક્ષ પદે રહેલી કોંગ્રેસ પાર્ટીને ૨૯ બેઠકો મળી છે.
વાસ્તવમાં નિયમાનુસાર ૫૬ બેઠકો ૧લી એપ્રિલે ખાલી પડવાની છે. તે માટે યોજાયેલી ચૂંટણીમાં મંગળવારે ભાજપે ૧૦ બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, તે પૂર્વે તેના ૨૦ સભ્યો બિન હરીફ ચૂંટાયા હતા. આ વખતે રાજ્ય સભાની ચૂંટણી કટોકટી સ્પર્ધાત્મક બની રહી હોવા છતાં, બાકીની ૬૭ બેઠકો ઉપર વિજય મેળવી ભાજપની કુલ સંખ્યા ૯૭ થઇ હતી.
આ ૯૭ સભ્યોમાં પાંચ નિયુક્ત સભ્યો પણ સમાવિષ્ટ છે. જેઓ સંગીત, ફિલ્મ, સાહિત્ય અને રમત-ગમત તથા વૈજ્ઞાાનિક કે ટેકનીકલ ક્ષેત્રમાં અગ્રણી રહેલાઓમાંથી પસંદ કરવામાં આવે છે. આ ઉપલાગૃહની કુલ સંખ્યામાં પાંચ ખાલી સીટો પણ ગણતરીમાં લેવામાં આવી ગઈ છે. જે છે : ૪ જમ્મુ અને કાશ્મીરની તેમજ ૧ ખાલી જગ્યા નિયુક્ત સભ્યોમાંથી છે કે જેવો ક્રમાનુસાર નિવૃત્ત થવાના છે.
એવું પણ જાણવા મળ્યું છે કે દેશનાં ૩ રાજ્યોમાં રહેલી ૧૫ બેઠકોની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હતું. જેથી ભાજપને ૧૦ સીટો મળી ગઈ. ક્રોસ વોટિંગથી કોંગ્રેસને ૩ અને સપાને બે બેઠકો મળી છે. આ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ લાભ થયો છે. તેને ઉ.પ્ર.માં ૧ સીટ વધુ મળી છે, અને હિમાચલ પ્રદેશમાં ૧ સીટ મળી શકી છે. ભાજપને ગઇ ચૂંટણી કરતાં કુલ ૧૦ બેઠકો વધુ મળી છે. જ્યારે કોંગ્રેસને ૩ અને સપાને ફાળે બે બેઠકો ગઇ છે. પરંતુ તે તમામ ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. (ક્રોસ વોટિંગ એટલે કોઇ પણ વિધાયક તેની પાર્ટીનાં વ્હીપ પછી, પણ તેથી વિરૂદ્ધ જઇ અન્ય (વિરોધી) પાર્ટીને મત આપે તેને ક્રોસ વોટિંગ કહેવાય છે)