Get The App

કોંગ્રેસના પેરાશૂટ નેતાને 24 જ કલાકમાં ભાજપનું ઈનામ, રાજ્યસભાના ઉમેદવાર જાહેર

ભાજપે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા

ભાજપે મહારાષ્ટ્રથી મેઘા કુલકર્ણી અને અજીત ગોપછડેને ઉમેદવાર બનાવ્યા

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના પેરાશૂટ નેતાને 24 જ કલાકમાં ભાજપનું ઈનામ, રાજ્યસભાના ઉમેદવાર જાહેર 1 - image


Rajya Sabha Election 2024 Maharashtra Candidate : ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં ઉમેદવારોની યાદી બહાર પાડી સૌને ચોંકાવી દીધા છે. કારણ કે તાજેતરમાં જ કોંગ્રેસ (Congress) છોડીને ભાજપમાં સામેલ થનારા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (Ashok Chavan)ને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે ચવ્હાણને મહારાષ્ટ્રથી સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ભાજપે આજે ગુજરાતના ઉમેદવારોની પણ યાદી જાહેર કરી છે, જેમાં જે.પી.નડ્ડા અને ગોવિંદ ધોળકિયા સામેલ છે.

મહારાષ્ટ્રમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી

BJPએ મહારાષ્ટ્રથી અશોક ચવ્હાણ ઉપરાંત મેઘા કુલકર્ણી અને અજીત ગોપછડેને ઉમેદવાર બનાવ્યા છે. રાજ્યમાં રાજ્યસભા માટે કુલ પાંચ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ભાજપે ગુજરાતમાંથી ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, જાણિતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ સલામસિંહ પરમારને રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા છે.

અશોક ચવ્હાણ: 12મીએ કોંગ્રેસમાંથી રાજીનામું, 13મીએ ભાજપમાં સામેલ

અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી 12મી ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધું હતું અને 13 ફેબ્રુઆરીએ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહેલા અશોક ચવ્હાણ મરાઠવાડા મતવિસ્તારના મોટા નેતા મનાય છે અને તેઓ મરાઠીઓના મુખ્ય ચહેરા તરીકે પણ ઓળખાય છે, જેને ધ્યાને રાખી ભાજપે તેમને રાજ્યસભા મોકલવાનો નિર્ણય કર્યો છે.

આ અગાઉ આ ઉમેદવારોના નામની થઈ હતી જાહેરાત

આ ઉપરાંત તાજેતરમાં જ ભાજપે ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસના પૂર્વ નેતા આરપીએન સિંહ, ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બળવંત અને નવીન જૈનને રાજ્યસભાની ટિકિટ આપી છે. હરિયાણાથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે છત્તીસગઢથી રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ, કર્ણાટકમાંથી નારાયણ કૃષ્ણા ભંડાગે અને સમિક ભટ્ટાચાર્ય અને ઉત્તરાખંડમાંથી મહેન્દ્ર ભટ્ટને ટિકિટ અપાઈ છે. બિહારમાં ખાલી પડેલી છ બેઠકો માંથી NDA અને વિપક્ષ ત્રણ-ત્રણ બેઠકો જીતે તેવી સંભાવના છે. ભાજપની સહયોગી જેડીયુ એક બેઠક માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે. ભાજપ રાજ્યમાંથી ડો.ધરમશીલા ગુપ્તા અને ડો.ભીમ સિંહને રાજ્યસભામાં મોકલી રહી છે.

ચૂંટણી પંચે રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી

નોંધનીય છે કે ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજ્યસભાની ચૂંટણી જે રાજ્યોમાં યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh) બિહાર (Bihar), છત્તિસગઢ (Chhattisgarh), ગુજરાત (Gujarat), હરિયાણા (Haryana), હિમાચલપ્રદેશ (Himachal Pradesh), કર્ણાટક (Karnataka), મધ્યપ્રદેશ (Madhya Pradesh), મહારાષ્ટ્ર (Maharashtra), તેલંગણા (Telangana), ઉત્તરપ્રદેશ (Uttar Pradesh), ઉત્તરાખંડ (Uttarakhand), પશ્ચિમ બંગાળ (West Bengal), ઓડિશા (Odisha), રાજસ્થાન (Rajasthan)નો સમાવેશ થાય છે.

કયા રાજ્યોની કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી?

  • આંધ્રપ્રદેશ - 3
  • બિહાર - 6
  • છત્તિસગઢ - 1
  • ગુજરાત - 4
  • હરિયાણા - 1
  • હિમાચલપ્રદેશ - 1
  • કર્ણાટક - 4
  • મધ્યપ્રદેશ - 5
  • મહારાષ્ટ્ર - 6
  • તેલંગણા - 3
  • ઉત્તરપ્રદેશ - 10
  • ઉત્તરાખંડ - 1
  • પશ્ચિમ બંગાળ - 5
  • ઓડિશા - 3
  • રાજસ્થાન - 3

Google NewsGoogle News