રાજ્યસભામાં એનડીએ બહુમતીની નજીક, ક્રોસ વૉટિંગથી બે બેઠકમાં ઉલટફેર, જાણો આખી નંબર ગેમ...
હિમાચલ કોંગ્રેસમાં વિખવાદના કારણે કોંગ્રેસે રાજસ્થાન બેઠક પરથી સોનિયા ગાંધીને મેદાનમાં ઉતાર્યા હતા
રાજ્યસભામાં ભાજપના 93 સભ્યો, નવા સભ્યોના શપથગ્રહણ બાદ ભાજપનું સંખ્યાબળ 100ને પાર પહોંચી જશે
Rajya Sabha Election 2024 : દેશભરમાં રાજ્યસભાની ખાલી પડેલી 56 બેઠકો માટે ચૂંટણીના પરિણામો આવી ગયા છે. સંખ્યાબળની દ્રષ્ટિએ કેટલાક પક્ષને કેટલીક બેઠકોનો લાભ થયો છે, તો કેટલાક પક્ષો પાસે નંબરગેમ હોવા છતાં બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. પરિણામો બાદ NDA બહુમતીની નજીક પહોંચી ગયું છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસના સંખ્યાબળમાં ઘટાડો થયો છે.
ભાજપને ધારણા કરતા બે બેઠક વધુ મળી
ચૂંટણી પહેલા BJP પાસે રાજ્યસભાની ખાલી પડેલી 56 બેઠકોમાંથી 28 બેઠકો હતી. ચૂંટણીમાં ભાજપને 28 બેઠકો મળવાની ધરણા હતી. જોકે ઉત્તર પ્રદેશ અને હિમાચલમાં ખેલ થયા બાદ ભાજપના ખાતામાં બે બેઠકનો વધારો થયો છે અને આ સાથે જ ભાજપે ચૂંટણીમાં 56માંથી 30 બેઠકો પર જીત મેળવી છે. ભાજપને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં સાત બેઠકો મળવાની ધારણા સામે આઠ બેઠકો મળી છે. જ્યારે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં નંબરગેમના કારણે ભાજપને એક બેઠક મળી છે. ત્યાં કોંગ્રેસ (Congress)નું જીતવાનું ફાઈનલ હતું, પરંતુ કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી ભાજપ તરફી મતદાન કરતા કોંગ્રેસે બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.
સોનિયા ગાંધીને હિમાચલમાંથી ચૂંટણી લડાવવાની ચર્ચા હતી
હિમાચલનું પરિણામ સામે આવ્યા બાદ એવું કહેવાય છે કે, મુખ્યમંત્રી સુક્ખૂ (CM Sukhvinder Singh Sukhu) સહિત કોંગ્રેસના તમામ નેતાઓને એવું લાગી રહ્યું હતું કે, સોનિયા ગાંધીને રાજ્યના ઉમેદવાર બનાવવાથી પક્ષના તમામ ધારાસભ્યો એક થશે અને ક્રોસ વોટિંગનો ખતરો ટળશે. જોકે કોંગ્રેસ નેતૃત્વએ હિમાચલ કોંગ્રેસમાં અંદરોઅંદર ચાલતો જૂથવાદ અને ધારાસભ્યોની નારાજગીને ધ્યાને રાખી સોનિયા ગાંધી (Sonia Gandhi)ને રાજસ્થાનની સુરક્ષિત બેઠક પર ઉતારી રાજ્યસભામાં મોકવાનો નિર્ણય કર્યો હતો. ચૂંટણી અગાઉ વિવિધ ચૂંટણી રાજ્યોનું ગણિત જોયા બાદ એવું મનાતું હતું કે, કોંગ્રેસ 10 બેઠકો પર જીત મેળવશે, પરંતુ પાર્ટી માત્ર નવ જ બેઠકો જીતી શકે.
ચૂંટણી બાદ રાજ્યસભામાં સંખ્યાબળની સ્થિતિ
રાજ્યસભામાં હાલ નિયુક્ત થયેલા છ સભ્યો સહિત કુલ 239 સભ્યો છે. ભાજપના એક સભ્ય કિરોડીલાલ મીણાએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી જીતેલા ઉમેદવારોનો એપ્રિલમાં શપથગ્રહણ યોજાશે. ત્યારબાદ ગૃહનું સંખ્યાબળ 240 પર પહોંચી જશે. હાલ રાજ્યસભામાં ભાજપના 94 સભ્યો છે. નવ સભ્યોના શપથગ્રહણ બાદ રાજ્યસભામાં ભાજપ સાંસદોની સંખ્યા 100ના આંકડાને પાર કરી જશે.
રાજ્યસભામાં 30 સભ્યો ધરાવતી કોંગ્રેસ બીજી સૌથી મોટી પાર્ટી છે. જોકે કોંગ્રેસે એક બેઠક ગુમાવ્યા બાદ તેનું સભ્યબળ 29 થઈ ગયું છે. પશ્ચિમ બંગાળની સત્તાધારી ટીએમસી 13 સભ્યો સાથે ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 240 છે અને બહુમતનો આંકડો 121 સભ્યોનો છે. ચૂંટણી પરિણામ બાદ એનડીએનું સંખ્યાબળ 117 પર પહોંચી ગયું છે અને 121ના બહુમતીના આંકડાથી ચાર બેઠકો ઓછી છે.
41 સભ્યો બિનહરીફ ચૂંટાયા
બે એપ્રિલે રાજ્યસભાની 41 બેઠકો અને ત્રણ એપ્રિલે 15 બેઠકો ખાલી થવાની છે. આ 56 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 41 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. ત્રણ રાજ્યો - ઉત્તર પ્રદેશના 10, કર્ણાટકના ચાર અને હિમાચલ પ્રદેશના એક સહિત કુલ 15 બેઠકોમાંથી ભાજપે 10 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસે કર્ણાટકમાં ત્રણ અને સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં બે બેઠકો જીતી.